સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટનો સેવાયજ્ઞ : સાતમ-આઠમ તહેવારે ૧૦૦૦ કુટુંબોને અનાજ-મીઠાઈ કીટ વિતરણ.

જુનાગઢમાં સ્થિત સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ વર્ષો થી સેવાકાર્યમાં અગ્રેસર રહી, તહેવારોમાં જરૂરિયાતમંદ પરિવારો સુધી મદદ પહોંચાડવા માટે પ્રખ્યાત છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા સાતમ-આઠમના તહેવારો નિમિત્તે વિશાળ સેવાયજ્ઞ યોજાયો છે.

આ સેવાયજ્ઞ અંતર્ગત જુનાગઢ શહેર અને આસપાસના કુલ 15 ગામોમાં આર્થિક રીતે નબળા પરિવારો માટે ખાસ તૈયાર કરેલી અનાજ અને મીઠાઈની કીટનું વિતરણ કરવામાં આવશે. દરેક કીટમાં તહેવાર દરમિયાન ઘરમાં જરૂરી થતા અનાજના મુખ્ય સામાન સાથે મીઠાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી લાભાર્થી પરિવારો તહેવાર ખુશહાલ રીતે ઉજવી શકે.

સંસ્થા દ્વારા મળેલી માહિતી મુજબ, આ વર્ષે કુલ 1000 કુટુંબોને આ સહાય પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. સેવાયજ્ઞ માટે સંસ્થાના સદસ્યો અને સેવાભાવી લોકો દ્વારા અનાજ, મીઠાઈ અને અન્ય સામગ્રી એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કીટના પેકેજિંગથી લઈને વિતરણ સુધીની દરેક કામગીરીમાં સંસ્થાના સભ્યો, સ્વયંસેવકો અને સ્થાનિક સેવાભાવી લોકો ઉત્સાહપૂર્વક જોડાયા છે.

વિશેષ વાત એ છે કે, સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ છેલ્લા 42 વર્ષથી વિવિધ પ્રકારની માનવીય સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે, જેમાં તહેવારો નિમિત્તે સહાય વિતરણ, શિક્ષણ સહાય, આરોગ્ય કેમ્પ અને આપત્તિ સમયે રાહતકાર્યનો પણ સમાવેશ થાય છે.

સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાએ જણાવ્યું કે, “અમારું ધ્યેય માત્ર મદદ કરવાનું નથી, પરંતુ દરેક ઘરમાં તહેવારનો આનંદ અને ખુશી પહોંચાડવાનો છે. આ કાર્યમાં સમાજના દરેક વર્ગના લોકોનો સહકાર અમને મળી રહ્યો છે, જે અમારી માટે ગૌરવની વાત છે.”

જો કોઈ વ્યક્તિ આ સેવાકાર્યમાં જોડાવા ઈચ્છે અથવા વધુ માહિતી મેળવવા માંગે, તો સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા સાથે મોબાઇલ નં. 9925142088 પર સંપર્ક કરી શકે છે.

📍 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ