સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રથમ જૂનાગઢ શહેરમાં ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા દ્વારા RDSS સ્કીમ અંતર્ગત LT AB કેબલ નાખવાની કામગીરીનો શુભારંભ

કેન્દ્ર સરકારની RDSS સ્કીમ અંતર્ગત પી.જી.વી.સી.એલમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા દબાણ (એલ.ટી.) વીજ લાઈનમાં વીજ વાયરની જગ્યાએ એલ.ટી. એરિયલ બંચ કેબલ નાખવાની કામગીરીનો શુભારંભ આજરોજ જૂનાગઢના ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા દ્વારા જૂનાગઢ શહેરમાંથી શરૂઆત કરવામાં આવેલ છે. સરકારશ્રીની આ સ્કીમ અંતર્ગત જૂનાગઢ શહેરમાં ૯૨ કિ.મી.ની એલ.ટી. વીજ લાઈનમાં ૫૦mm2 એરિયલ બંચ કેબલ જુદી જુદી એસેસરીઝ સાથે લગાવવામાં આવશે.આજરોજ આ કામગીરીનો શુભારંભ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રથમ જૂનાગઢ શહેરના સેટેલાઈટ સબ ડિવિઝન જનકપુરી વિસ્તારમાંથી કરવામાં આવેલ છે. સરકારશ્રીની આ સ્કીમ અંતર્ગત જૂનાગઢ વર્તુળ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ ના વિસ્તારમાં કુલ ૩૭૪ કિ.મી. હળવા દબાણની વીજ લાઈનનું ૮ કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે. ઉપરોક્ત કામગીરીથી ગ્રાહકોને પાવર સપ્લાયની સાતત્યમાં વધારો થશે. વીજ અકસ્માતોથી રક્ષણ મળશે. વીજ વિક્ષેપ ની સમસ્યા નિવારણ થશે. આ તબક્કે ધારાસભ્યશ્રીએ પી.જી.વી.સી.એલની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવેલ હતી તથા જૂનાગઢ ગીરનાર હિલ પ્રોજેક્ટની કપરી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે અભિનંદન પાઠવેલ હતા. ઉપરોક્ત કાર્યક્રમમાં પી.જી.વી.સી.એલના મુખ્ય ઈજનેરશ્રી એ.એચ.વાઘેલા, જૂનાગઢ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરશ્રી એસ.એચ.રાઠોડ તથા કાર્યપાલક ઈજનેરશ્રી બી.બી.માણાવદરીયા નાયબ ઇજનેરશ્રીઓ જુનિયર ઈજનેરશ્રીઓ, ટેકનીકલ સ્ટાફના સભ્યો તથા કોન્ટ્રાક્ટર એજન્સીના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)