દિલ્હી ખાતેથી દેશના ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહના હસ્તે દેશભરમાં ૧૦ હજાર નવીન એમ-પેક્સ, ડેરી અને ફીશરીઝ સોસાયટીઓનો શુભારંભ : જૂનાગઢ જિલ્લાના સહકારી આગેવાનો અને લાભાર્થીઓ વર્ચ્યુઅલી જોડાયાજૂનાગઢ દેશના ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહના હસ્તે દેશભરમાં ૧૦૦૦૦ નવીન એમ-પેક્સ, ડેરી અને ફીશરીઝ સોસાયટીઓનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમના અનુસંધાને જૂનાગઢ રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, જૂનાગઢ બેન્ક અને જૂનાગઢ APMCના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે જિલ્લાની નવીન ૨ સહકારી મંડળીઓને રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા.
સહકાર થી સમૃધ્ધિ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં દિલ્હી ખાતે દેશના ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને અને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સહિતના સહકારી અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લાના વિવિધ સહકારી આગેવાનો, પદાધિકારીઓ અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. કાર્યક્રમમાં મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારશ્રી યુવરાજસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાનું સહકાર ક્ષેત્રે મોટું યોગદાન રહેલું છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર વિવિધ કાર્યક્રમો અને સહકારી માળખા થકી લોકોની સેવા કરવાનું ઉમદા કામ કરે છે.
ગ્રામ્ય કક્ષાએ સેવા મંડળીઓ દ્વારા લોકોને વિવિધ લાભ મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. કાર્યક્રમમાં જૂનાગઢ દુધસંઘના ચેરમેન શ્રી દિનેશભાઇ ખટારીયાએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ્ય લોકોના વિકાસને ધ્યાનમાં રાખીને અલગ સહકાર મંત્રાલય ઊભું કર્યું છે. સહકારી સેવા મંડળીઓ થકી ૫૪ માંથી વિવિધ ૧૬ આયામોનો સ્વીકાર કર્યો છે.
સહકારી મંડળીઓના સહયોગથી ગ્રામ્ય ક્ષેત્રે લોકોને વિવિધ સેવાઓ મળી રહેશે. ડેરીએ દૂધ સિવાય પણ લોકોને રોજગારી મળી રહે તે દિશામાં કામ કર્યું છે. આ કાર્યક્રમમાં જૂનાગઢ APMCના ચેરમેન શ્રી કેવલભાઈ ચોવટીયા સહિત જિલ્લાના સહકારી આગેવાનો અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)