સહકારિતાની નવી ક્રાંતિ : ચાર વર્ષમાં 60થી વધુ પહેલ, દેશભરમાં અસરકારક અમલ.

નવી દિલ્હી: “સહકારથી સમૃદ્ધિ” ના સંકલ્પ સાથે કાર્યરત નરેન્દ્ર મોદી સરકારના નવીન સહકારિતા મંત્રાલયે ચાર વર્ષમાં અભૂતપૂર્વ સફળતાઓ હાંસલ કરી છે. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના નેતૃત્વમાં દેશના સહકારી ક્ષેત્રે 60થી વધુ મહત્વપૂર્ણ પહેલો અમલમાં મૂકાઈ છે, જેના પરિણામે સહકારિતા ક્ષેત્રે વ્યાપક સુધારાઓ અને વિકાસની નવી દિશાઓ ઉભી થઈ છે.

પેક્સ (પ્રાથમિક કૃષિ ઋણ સહકારી સંસ્થાઓ) નું કમ્પ્યુટરીકરણ, સહકારી ડેટાબેસનું નિર્માણ, મોડેલ ઉપનિયમો દ્વારા સંસ્થાગત સુધારાઓ અને દરેક ગામ સુધી સહકાર સંકલ્પના પહોંચાડવા માટે બે લાખ નવા પેક્સની રચનાની યોજનાએ દેશના કૃષિ આધારિત ક્ષેત્રોને મોટી રાહત આપી છે.

તાલીમપ્રાપ્ત યુવાનોને સહકારિતામાં જોડવા માટે દેશની પ્રથમ “ત્રિભુવન સહકારી યુનિવર્સિટી” ની સ્થાપના કરવામાં આવી છે, જેમાં સહકારી વહીવટ, ડિજીટલ મેનેજમેન્ટ, નેતૃત્વ અને નીતિ નિર્માણ જેવી વિશિષ્ટ ફીલ્ડમાં અભ્યાસક્રમો શરૂ થશે. આ યુનિવર્સિટી દ્વારા દેશને કુશળ સહકારી માનવ સંસાધન ઉપલબ્ધ થશે.

સહકાર ક્ષેત્રે કાનૂની સુધારાની દિશામાં પણ મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે “મધ્યવર્તી સહકારી ચૂંટણી અધિકરણ” ની રચના કરાઈ છે.

ખાસ કરીને ખાંડ મિલોની સમસ્યાઓનો ઉકેલ લાવતાં તેમને ખાનગી અને સરકારી બંને પ્રકારની મિલોને સમાન તકો આપી નવા નાણાકીય માળખા હેઠળ મજબૂત બનાવવામાં આવી છે. તેની સાથે જ નેફેડ અને એનસીસીએફ જેવી સંસ્થાઓએ ખેડૂતો પાસેથી MSP ભાવે દાળ અને તેલબિયાં ખરીદવાનું કાર્ય શરૂ કર્યું છે.

સરકારી સહકારથી સહકારી બેંકોને હવે નવી શાખાઓ શરૂ કરવા, વ્યવસાય વિસ્તૃત કરવા અને પાવર આપવામાં આવી છે. NCDC દ્વારા લોન વિતરણમાં પણ વધારો થયો છે, અને આ નાણાકીય વર્ષ માટે લક્ષ્ય લગભગ પોણા બે લાખ કરોડ સુધી પહોંચ્યું છે.

રાષ્ટ્રીય સ્તરે ત્રણ નવી સહકારી સંસ્થાઓ — બીજ, નિકાસ અને ઓર્ગેનિક્સ — ની રચના પણ થઈ છે. સાથે જ વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના હેઠળ ગ્રામ પંચાયત સ્તરે ગોડાઉન બનાવવા પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે.

આપઘાત, આર્થિક દબાણ અને બજારની અનિશ્ચિતતાથી પીડાતા ખેડૂતો માટે સહકારિતા મંત્રાલય આશાની કિરણ બની છે. ભારતની સહકારી પરંપરાને વધુ મજબૂત બનાવતાં આ પગલાંઓ સહકારિતાની બીજી ક્રાંતિ તરીકે માનવામાં આવી રહ્યા છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ.