સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે રવિવારના રોજ અમાસ નિમિતે ભવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય કાર્યક્રમનું આયોજન **શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)**ની પ્રેરણાથી કરવામાં આવ્યું હતું.
સવારના 5:45 કલાકે શણગાર આરતી પવિત્ર પર્વમાં કરવામાં આવી હતી, જેમાં હનુમાનજી મહારાજને નાડાછડીના વાઘા સાથે ગુલાબ-ગલગોટા ફૂલોથી શણગાર્યું હતું. પૂજારી સ્વામીના જણાવ્યા અનુસાર, આ શણગાર માટે 2 હરિભક્તો છ દિવસના મહેનત સાથે સુરતમાં બનાવેલા વાઘા પેહરાવ્યા હતા. હનુમાનજી મહારાજના સિંહાસને નાડાછડી અને ફૂલોથી શણગારવામાં આવતાં 2 સંતો, ભક્તો અને પાર્ષદોને લગભગ 3 કલાકનો સમય લાગ્યો.
સાંજે 4:30 કલાકે દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન થયું, જેમાં હનુમાનજી મહારાજને શણગાર, ફળ, પુષ્પ, ડ્રાયફ્રુટ અને મંગલ નૈવેદ્ય સમર્પિત કરવામાં આવ્યું. સંધ્યા આરતી 6:30 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા પવિત્ર પદ્ધતિથી કરવામાં આવી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવ્યો.
મંદિરમાં રાજોપચાર પૂજન ખાસ મહત્વ ધરાવે છે. હનુમાનજી મહારાજને રાજાની જેમ શ્રદ્ધાભાવે સેવાઓ સમર્પિત થાય છે અને હનુમાનજી ભક્તોના કષ્ટોને દૂર કરે છે. રાજોપચાર પૂજનમાં ચાર વેદોના મંત્રો, પ્રાન્તિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો તથા ગાન હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે. હનુમાનજી મહારાજને શાસ્ત્રીય સંગીત અને નૃત્યથી પ્રસન્ન કરવામાં આવે છે.
પ્રસિદ્ધ પરંપરા મુજબ, 100 કિલો જેટલી ગુલાબની પાંખડીઓ અને વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન હનુમાનજી મહારાજને સમર્પિત કરવામાં આવ્યા. રાજોપચારપૂજન પવિત્ર તહેવારો, તિથિઓ અને ભક્તોના સંકલ્પ પ્રમાણે અનુકૂળ તારીખોમાં કરવામાં આવે છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ