સાંસદશ્રી ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ

આજરોજ કલેક્ટર કચેરી સભાખંડ,પાલનપુર ખાતે બનાસકાંઠાના સાંસદશ્રી ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં”દિશા”બેઠકના અધ્યક્ષ અને સાંસદશ્રી ગેનીબેન ઠાકોરએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાત સરકારશ્રીની તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે, લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ સેવાઓનો લાભ મળે તથા વિશેષ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસના કાર્યો થાય તે જરૂરી છે. આ દિશા બેઠકમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરી બાબતે ચર્ચા કરાઈ હતી.

આ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોરએ જિલ્લા વહીવટી તંત્રની સારી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. બેઠકમાં તેમણે ખાસ કરીને દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધે તથા મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર બને તે દિશામાં કામ કરવા સૂચન કર્યું હતું. આ સાથે લોકોને વ્યસનમુક્તિ તરફ આગળ વધવા આહવાન કર્યું હતું. સાંસદશ્રીએ વિવિધ બસ સ્ટેશન, શાળાઓ અને કોલેજ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ અને શી ટીમની કામગીરીને આગળ વધારવા જણાવ્યું હતું. આ સાથે પાણી પુરવઠા વિભાગમાં જે ગેર કાયદેસર કનેક્શન હોય તો તેને ત્વરિત દૂર કરવા જણાવ્યું હતું. આ સાથે ગ્રામીણ વિકાસ વિભાગ, કૃષિ ખેડૂત અને કલ્યાણ વિભાગ, પંચાયત રાજ, આવાસ અને શહેરી વિભાગ, જળ સંસાધનો નદી વિકાસ અને ગંગા સંરક્ષણ, પશુપાલન અને ડેરી, મહિલા ને બાળ વિકાસ, આરોગ્ય, પેય જળ અને સ્વચ્છતા વિભાગ, ભૂમિ અને સંસાધન, શિક્ષણ, પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન, સડક પરિવહન અને રાજમાર્ગ, ખાણ મંત્રાલય, સામાજિક ન્યાય અને અધિકારીતા, વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ, લઘુ ને મધ્યમ ઉદ્યમ મંત્રાલય, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ જેવા વિભાગો અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી.

દિશા બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલએ જણાવ્યું હતું કે, જિલ્લાના ખારાશ પ્રદેશોમાં ખેડૂતોને પોતાની જમીન પર કયાં ક્યા પાક વાવી શકાય તેના માટે ખારાશ જમીનને પ્રયોગશાળામાં ચેક કરીને ખેડૂતોને ઉપયોગી એવી પુસ્તિકાને પ્રકાશિત કરવા જણાવ્યું હતું. તેમણે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તથા ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે દિશામાં કામ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં ઈ.ચા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.પી.પટેલ સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:- બ્યુરો (પાલનપુર)