સાંસદ ખેલ મહોત્સવ–૨૦૨૫ માટે રજીસ્ટ્રેશનનો આરંભ, ૨૦ સપ્ટેમ્બર સુધીમાં રમતવીરો કરી શકશે ઓનલાઇન નોંધણી.

જૂનાગઢ, તા.૧ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ખેલ પ્રત્યે યુવાનોમાં ઉમંગ અને ઉત્સાહ જગાવવા માટે સાંસદ ખેલ મહોત્સવ–૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયાની શરૂઆત તા.૨૯ ઓગસ્ટથી થઈ ગઈ છે.

જૂનાગઢ જિલ્લાના તમામ રમતવીરોને પોતાની પ્રતિભા દર્શાવવાનો સારો અવસર મળ્યો છે. રમતવીરોને આપેલ QR કોડ સ્કેન કરીને અથવા www.sansadkhelmahotsav.in વેબસાઈટ પર જઈને પોતાના મનપસંદ ખેલ માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વેબસાઈટ ખોલ્યા બાદ Participant Registration વિકલ્પ પર ક્લિક કરીને જરૂરી વિગતો ભરીને પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

રમતવીરો માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ નક્કી કરવામાં આવી છે. આયોજકો તરફથી જણાવાયું છે કે, સમયમર્યાદા અંદર કરાયેલ રજીસ્ટ્રેશન માન્ય ગણાશે.

આ ખેલ મહોત્સવનો હેતુ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોના યુવા રમતવીરોને સમાન મંચ પર લાવી તેમની પ્રતિભાને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આગળ ધપાવવાનો છે. સ્પર્ધાઓ દ્વારા નવો ઉત્સાહ અને આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ