સાબરકાંઠામાં આશરે 15 લાખની લૂંટનો બનાવ સામે આવ્યો!

સાબરકાંઠા: સાબરકાંઠાના ઈડર સત્યમ ચોકડી પાસે આશરે 15 લાખની લૂંટનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, બપોરના સમયે એક યુવાન બેંકમાંથી કેશ ઉપાડી ઓટો રીક્ષામાં બેસવા જતો હતો ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ યુવાન પાસેથી 15 લાખની રકમ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.

યુવાને તુરંત જ ઈડર પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર દોડી આવ્યું અને નજીકના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. લૂંટારૂઓની ઓળખ માટે સીસીટીવી ફૂટેજ પણ ખંગાળવામાં આવી રહ્યા છે.

પોલીસના સૂત્રો અનુસાર, યુવાન બેંકમાંથી મોટી રકમ ઉપાડી રહ્યો હોવાની માહિતી લૂંટારૂઓને પૂર્વેથી હતી. પોલીસનો શંકા છે કે કોઈ સ્થાનિક વ્યક્તિએ આ લૂંટમાં સહકાર આપ્યો હોઈ શકે છે. પોલીસે આરોપીઓને ઝડપવા માટે ચુસ્ત નાકાબંધી ગોઠવી છે અને તપાસ ચાલી રહી છે.

હાલ સુધીમાં કોઈ આરોપી પોલીસના હાથમાં આવ્યો નથી, પરંતુ તુરંત કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. લૂંટની આ ઘટનાએ સ્થાનિક લોકમંથનમાં ભયનું માહોલ સર્જી દીધો છે. વધુ વિગતો માટે પોલીસ તપાસ આગળ ચાલી રહી છે.