સાબરકાંઠામાં રાજ્યસભા સાંસદ રમિલાબેન બારાના અધ્યક્ષ સ્થાને તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો.

સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કાર્યક્ર્મ રાજ્યસભા સાંસદ રમિલાબેન બારાના અધ્યક્ષ સ્થાને ડો. નલિન કાન્ત ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે યોજાયો હતો. જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ ૮ શિક્ષકોનું સન્માન કરાયું હતું.

દેશના ભાવી નાગરિકોનું ઘડતર કરવાનું મહામુલું કામ કરતા શિક્ષકો વંદનીય છે તેમ જણાવી સાંસદ રમિલાબેને ઉમેર્યુ હતું કે, દેશના શિક્ષકોને ગૌરવ પ્રદાન કરવાના હેતુસર દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન શ્રેષ્ઠ અધ્યાપક હતા. તેઓ 27 નોબેલ પુરસ્કાર મેળવ્યા અને ૧૯૫૪માં ભારતરત્નથી નવાજવામાં આવ્યા. તેમનો આત્મા શિક્ષકનો જ હતો શિક્ષણ ક્ષેત્રે તેમનું યોગદાન અમૂલ્ય છે. પોતાના જન્મ દિનને શિક્ષક દિન તરીકે યાદ રાખી શિક્ષકોના શીરે મોટી જવાબદારી મૂકી છે. સમાજના ઘડતરમાં શિક્ષકોની જવાબદારી અનન્ય છે. ભગવાન પહેલાં ગુરુને સ્થાન મળે છે. વિદ્યા વિહીન નર પશુ સમાન હોય છે માણસાઈનું નિર્માણ શિક્ષક કરે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી શિક્ષકોની છે કારણ કે તેઓ ભાવીનું ઘડતર કરી રહ્યા છે.

મહાભારતના પ્રસંગ વર્ણવતા તેમની ઉમેર્યું કે એકવાર ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વાત કરતા હતા ત્યારે અર્જુને શ્રીકૃષ્ણ ભગવાનને પૂછું કે, આ ક્ષેત્રમાં મૃત્યુ પામનાર સર્વ સ્વર્ગના અધિકારી બનશે? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ જવાબ આપ્યો કે સમાજનું ઘડતર કરનાર ગુરુ અને સીમાઓનું રક્ષણ કરતાં સૈનિક સ્વર્ગના અધિકારી બને છે. આમ કહી તેમને ગુરુનો મહિમા ગાયો હતો. લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે, શિક્ષક શૂન્યમાંથી સર્જન કરે છે. બાળકને શૂન્યનું મૂલ્ય સમજાવે છે. શિક્ષક શું ના કરી શકે? એમ પૂછી તેમની ઉમેર્યું કે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યસભા સાંસદ તેમજ પોતે શિક્ષણના ક્ષેત્રમાંથી આવીને સમાજ સેવામાં સંસદ ભવન સુધી પહોંચ્યા છે. શિક્ષક ખૂબ જ પ્રમાણિકતાથી શિક્ષણ આપે છે. વિદ્યાર્થીઓનું ઘડતર કરે છે. એક ઉદાહરણ આપતા તેમને જણાવ્યું કે અમીબા ને મરેલીબા માની શ્રાદ્ધ કરતા લોકોને અમીબા શું છે? તેનું શિક્ષણ શિક્ષક આપે છે આમ શિક્ષકની ગરિમા અને સન્માન સમાજમાં ખૂબ જ મહત્વના છે.

જિલ્લા કલેકટર રતનકંવર ગઢવી ચારણે શ્રેષ્ઠ સારસ્વતોનું સન્માન પામનાર શિક્ષકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, ભારતીય વૈદિક પરંપરા ગુરુના મહત્વને દર્શાવે છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય- જે દર્શાવે છે કે ગુરુ પણ ભગવાન સમાન છે જેના થકી ભગવાન સુધી પહોંચી શકાય છે. રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોનો ફાળો અનન્ય છે. સામાજિક મૂલ્યો, નૈતિક મૂલ્યોની કેળવવાની જવાબદારી શિક્ષકોની છે. બાળકનું ઘડતર કરતા શિક્ષકોએ બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં બાળકોમાં નૈતિક મૂલ્યો સામાજિક મૂલ્યો અને સૌથી મહત્વના માનવીય મૂલ્યોનું ઘડતર કરી રાષ્ટ્ર નિર્માણમાં આગળ વધવાનું છે.

આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલાએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. મહાનુભવોના હસ્તે જિલ્લા તથા તાલુકા કક્ષાના ૮ શ્રેષ્ઠ શિક્ષકોને પ્રશસ્તિપત્ર તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાયા હતા. તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન હિમાંશુભાઇ, જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી મિતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપાધ્યાય , જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રાચાર્ય , જિલ્લાની શાળાઓના આચાર્ય, સન્માન વિજેતા શિક્ષકો તથા બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈઓ બહેનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :-ચંદ્રકાંત પ્રજાપતિ, સાબરકાંઠા (ખેડબ્રહ્મા)