સાળંગપુરધામ સ્થિત વિશ્વપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આ વર્ષે ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ મંદિર પરિસરમાં વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું.
ગણેશ ચતુર્થીના પાવન દિવસે, તા. 27-08-2025, બુધવારે, હનુમાનજી દાદાને ગણેશજીની થીમવાળા વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા હતા. સાથે જ, અષ્ટવિનાયક દેવની થીમ અનુસાર દાદાનું અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજીના સિંહાસન પર અષ્ટવિનાયક સ્વરૂપની પ્રતિમા મુકવામાં આવી હતી, જેના દર્શન માટે ભક્તોમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો.
સવારે 9:00 વાગ્યે હરિ મંદિરમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા વિધિવત્ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. પૂજનોત્તર નારાયણમુનીદાસજી સ્વામીએ આરતી ઉતારી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને આ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.
મંદિરના પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, દર વર્ષે સાળંગપુરધામમાં ગણપતિ મહોત્સવ ઊજવાય છે, પરંતુ આ વર્ષે ખાસ અષ્ટવિનાયક થીમનો શણગાર ભક્તોને અનોખો અનેરો અનુભવ કરાવી રહ્યો છે.
આ કાર્યક્રમ દરમ્યાન સાળંગપુરધામની શોભા અદ્વિતીય લાગી રહી હતી. ભક્તો “ગણપતિ બાપ્પા મોરિયા” અને “જય કષ્ટભંજન દેવ”ના ગજરણ સાથે ગજાનન તથા હનુમાનજીની એકસાથે વંદનામાં લીન થયા હતા.
📍 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ