सुप्रસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજના અષાઢ મહિનાના શનિવારે એક અનોખા શણગાર સાથે ભવ્ય અન્નકૂટનો કાર્યક્રમ યોજાયો.
આ દિવસે દાદાને મેઘધનુષ્ય થિમવાળા કલરફુલ વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. આ વાઘાનું નિર્માણ અમદાવાદના એક ભક્તે સાત દિવસમાં કર્યું હતું અને ભક્તિપૂર્વક મોકલ્યા હતા. દાદાના ગર્ભગૃહ અને સિંહાસન સહીત સમગ્ર મંદિર પરિસર 536 રંગબેરંગી છત્રીઓથી શણગારાયું હતું.
સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી.
આ સાથે વિશેષતા તરીકે કચ્છની ફેમસ 1000 કિલો ખારેકનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો. આ ખારેક દર્શનાર્થી ભક્તોને પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવી હતી. હજારો ભક્તોએ આજે આ ભવ્ય શણગાર અને અન્નકૂટના દર્શનનો લાભ લીધો અને શ્રીહનુમાનજી દાદાના ચરણોમાં ધન્યતા અનુભવી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ