સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં તા. 31-08-2025ના રોજ રવિવારે ધરો આઠમ તથા રાધાષ્ટમીના પાવન અવસરે વિશેષ શણગાર દર્શન યોજાયા હતા. આ અવસરે કષ્ટભંજનદેવ હનુમાનજીના સિંહાસનને ધરો તથા ગુલાબના તાજા ફુલોથી ભવ્ય શણગાર કરાયો હતો.
સવારે 5:45 કલાકે પૂજારી સ્વામીએ આરતી કરીને શણગાર દર્શન ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ સવારે 8:00 કલાકે શ્રીહરિ મંદિરમાં ગણપતિદાદાનું પૂજન, અર્ચન તથા આરતી વિધિવત્ કરવામાં આવી હતી. હજારો ભક્તોએ સાળંગપુરધામમાં આવીને હનુમાનજી દાદાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતો.
પૂજારી સ્વામીએ જણાવ્યા મુજબ, આ ધરો સાળંગપુરધામ મંદિરના ગાર્ડનમાંથી જ લેવામાં આવ્યો હતો. ઉપરાંત હનુમાનજી દાદાને સુરતમાં ખાસ એક અઠવાડિયાની મહેનતથી તૈયાર કરાયેલા અનોખા વાઘા પહેરાવાયા છે. આ વાઘામાં રાધાજીના મહેલનું ચિત્ર અંકિત કરાયું છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આજ બપોરે શ્રીહરિ મંદિરમાં રાધાજીના જન્મોત્સવની આરતી તથા અન્ય ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવશે. સમગ્ર સાળંગપુરધામ ભક્તિભાવ અને આસ્થાથી છલકાતું રહ્યું હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ