
કેશોદ તાલુકો, તા. ૨ મે, ૨૦૨૫
કેશોદ તાલુકાના મહંત સિમરોલી ગામના રહીશ રામભાઈ કરમટા દ્વારા વર્ષોથી ગેરવહીવટના આક્ષેપો સાથે સિમરોલીથી પાણખાણ જતાં રસ્તા મુદ્દે અનેક જગ્યાએ ફરિયાદો કરવામાં આવી હોવા છતાં હજી સુધી મુદો ઉકેલાયો નથી.
8.95 લાખ રૂપિયાની ગ્રાન્ટ હોવા છતાં રોડ ન બન્યો હોવાનો રોષ
રામભાઈના આક્ષેપો મુજબ, તે સમયની ગ્રામ પંચાયત દ્વારા આ ગ્રાન્ટ ખર્ચ થઇ ગઈ હોવા છતાં પણ જમીન પર કોઈ કામગીરી દેખાતી નથી. મુખ્યમંત્રી સ્વાગત, જિલ્લા સ્વાગત અને તાલુકા સ્વાગતના દરવાજા ખખડાવ્યા છતાં ન્યાય મળ્યો નથી.
તપાસમાં ઉલઝણ – બનેલ પણ ન બનેલનો વિવાદ
જ્યારે મનરેગા યોજના હેઠળ રોડ બન્યો હોવાનું કહેવાયું ત્યારે સ્થાનિક લોકોએ પણ મંતવ્ય આપ્યું કે –
- કેટલાકે કહ્યું રોડ ચાર વર્ષ પૂર્વે બનાવાયો હતો
- કેટલાકે કહ્યું કે દર વર્ષે ખેડૂતો પોતે મરામત કરે છે
- કોઈએ કહ્યું, સરકાર દ્વારા ક્યારેય રસ્તો બન્યો નથી
આ વિવાદ વચ્ચે અધિકારીઓ મનમેળ ન કરી શકતા તપાસ સ્થગિત કરીને સ્થળેથી પાછા ફર્યા. જોકે, અરજદારે હાર ન માની અને જૂનાગઢ DDO પાસે ફરી રજૂઆત કરી, જેના આધારે નવી તપાસ શરૂ કરવામાં આવી.
તપાસ દરમિયાન બદલાતી દિશા અને અરજદારનો ઈનકાર
મીડિયાની હાજરીમાં નવી તપાસ વખતે માર્ગ પર થોડી થોડી જગ્યાએ ખોદકામ કરવામાં આવતાં અને ત્યારપછી “રોડ બનેલો છે” તેવું દર્શાવાયું. પરંતુ રામભાઈએ આ તપાસ પ્રક્રિયામાં સહમતિ આપી નહીં અને “એકતરફી નિર્ણય લેવાયો છે” તેવો આક્ષેપ કર્યો.
જોબ કાર્ડોમાં ખામી, દુકાનદારના નામ ઉમેરાતા નવા તત્વો સામે
તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો પણ થયો કે મનરેગા યોજના અંતર્ગત જેતે સમયે રોડ માટે જોબ કાર્ડ બનાવાયા હતા, તેમાં ખોટા નામો, ગામના દુકાનદારો અને “મોટા વેપારીઓ“ના નામ પણ સમાવિષ્ટ હતા – જે માનક નિયમોના ઉલ્લંઘન સમાન ગણાય છે.
ભ્રષ્ટાચારના વધુ દાવા – સ્મશાન ભૂમિમાં પણ ઘોટાળાની ચર્ચા
રામભાઈનું કહેવું છે કે એમજીઓ નરેન્દ્ર ગ્રાન્ટોને કેવી રીતે ખર્ચવામાં આવી રહી છે તે પણ તપાસનો વિષય છે. તેમની માંગ છે કે ઉચ્ચ કક્ષા દ્વારા નિષ્પક્ષ તપાસ થાય, તો “સિમરોલી જ નહીં પણ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર” પર્દાફાશ થઈ શકે.
📌 અહેવાલ: રાવલિયા મધુ, કેશોદ