સુરતઃ
રક્તદાન, નેત્રદાન, દેહદાન જેવા અનેક દાનની સાથોસાથ અંગદાનનું મહત્વ વધી રહ્યું છે, ત્યારે અંગદાન વિષે વધુમાં વધુ લોકો જાગૃત્ત બને એવા આશયથી સુરત નર્સિંગ એસોસિએશન દ્વારા અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સંવાદ યોજાયો હતો. જેમાં સિવિલની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, શહેરની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સહિત નર્સિગ સ્ટાફ, તબીબોએ ભાગ લઈ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયના જંકફૂડના જમાનામાં વ્યક્તિ આરોગ્યની સંભાળ રાખતો નથી અને તેના શરીરના અંગો જીવલેણ બીમારીનો શિકાર બને છે. જેમાં પણ ડાયાબિટીસને કારણે કિડની-હાર્ટ- લીવર ફેલ્યોરની બીમારીનો ભોગ બનતા આવા લોકોને ઓર્ગન ટ્રાન્સપાન્ટની નોબત આવે છે ત્યારે ખરી મુશ્કેલી ઉભી થાય છે. ઓર્ગન મેળવવા અગાઉથી નામ નોંધાવવું પડે છે અને જ્યાં સુધી ઓર્ગન મેળવવા નંબર આવે તે પહેલા તો દર્દી ઈશ્વરના શરણ થઈ જાય છે. આમ ઓર્ગન મેળવવાની રાહ જોતા કોઈનું અકાળે મૃત્યુ ન થાય એ માટે રાજ્યભરમાં અંગદાન મહાદાનનું વિશેષ અભિયાન ચલાવી રહ્યા છીએ.
વધુમાં તેમણે કહ્યું કે, અંગદાન મહાદાન જાગૃતિ સંવાદના આયોજનમાં નર્સિંગ એસોસિએશન ખૂબ સહકાર મળ્યો છે. સંવાદના કારણે મહત્તમ ઓર્ગન ડોનેશન થાય, અંગોની જરૂરિયાત ધરાવતા લોકોને નવું જીવન મળે એવો હેતુ રહ્યો છે.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)