સિહોર નગરપાલિકા હદઅંતર્ગત વોર્ડ નંબર ૧ થી ૫ સુધી “ડોર ટુ ડોર કચરો ઉપાડવાનું” જવાબદારીભર્યું કામ અમરેલીની હરિ ઓમ કન્સ્ટ્રક્શન કંપનીને ટેન્ડર મારફત સોંપવામાં આવ્યું છે. પરંતુ આજ કોન્ટ્રાકટ મળ્યા બાદથી જ નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. નક્કી કરેલા સમય મુજબ કચરાવહન ન આવવી, સફાઈની કામગીરી સમયસર ન થવી અને નગરજનોની તકલીફો સતત વધી રહી છે.
આ બાબતે વિપક્ષના આગેવાન જયરાજસિંહ મોરી દ્વારા પૂર્વે પણ ચીફ ઓફિસર અને મ્યુનિસિપલ કમિશ્નર સમક્ષ લેખિત રજુઆતો કરવામાં આવી હતી. પરંતુ જરૂરી પગલાં ના લેવાતા તેઓએ આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જવાબદાર કંપનીને બ્લેકલિસ્ટ કરવાની મજબૂત માંગ ઉઠાવી છે.
તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, ટેન્ડર કોન્ટ્રાક્ટ અંતર્ગત કેટલીય શરતોનો ઉલ્લંઘન થયો છે. જેમ કે:
વાહનો પાસે યોગ્ય આર.સી. બુક ન હોવી
આરટીઓ પ્રમાણિત અને પી.યુ.સી. ધરાવતું વાહન ન હોવું
ડ્રાઈવરો પાસે યોગ્ય લાયસન્સ ન હોવું
વાહનમાં જી.પી.એસ. સિસ્ટમ અને માઇક ન લગાવવામાં આવ્યા હોવા છતાં સેવા આપી રહી છે
કચરાવહન નિયમિત રીતે આવતા ન હોવા અંગે નાગરિકોમાં રોષ
વિપક્ષે સ્પષ્ટ કહ્યું છે કે આ સંજોગોમાં ટેન્ડર રદ કરવામાં આવે અને કંપનીને શરતભંગના આધાર પર બ્લેકલિસ્ટ કરવામાં આવે. સાથે જ પત્ર સાથે ટેન્ડરની નકલ અને કંપની દ્વારા કામમાં થતી ઉણપોની વિગતો પણ મુખ્યમંત્રીએ ધ્યાનમાં લે તેવી માંગણી કરી છે.
જયરાજસિંહ મોરીએ આપેલો સંદેશ એવો છે કે, જો આ મુદ્દે તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે તથા કાનૂની લડત પણ શરૂ કરાશે.