સિહોર શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ તથા હુસૈની કમિટી દ્વારા મહોરમ પર્વ નિમિતે કલાત્મક રીતે તૈયાર કરાયેલા તાજીયાનું ધામધૂમપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલમાં ઝુલુસ યોજાયું હતું. લીલાપીરેથી શરૂ થયેલું તાજીયાનું ઝુલુસ શહેરની મુખ્ય બજારોમાં વિહાર કરતા અંતે નિર્ધારિત સ્થળે પૂરા માનસન્માન સાથે પૂરૂં કરાયું હતું.
ઝુલુસ દરમિયાન શહેરમાં કોમી એકતાનું અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકોમાં ઉત્સાહ અને ભાઈચારાનું સુંદર ચિત્રણ નોંધાયું હતું. રસ્તામાં અનેક સેવાભાવી સંસ્થાઓ અને નાગરિકો દ્વારા શરબત અને પીવાનું પાણી આપવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
ખોજા શિયા ઇશ્ના અશરી જમાત દ્વારા ખોજા મસ્જિદથી ઝલુના ચોક અને આંબેડકર ચોક સુધી માતમી ઝુલુસ યોજાયું હતું. જેમાં પયગમ્બર હ.મૌહમ્મદ સાહેબના નવાસા ઇમામ હુસૈન (અ.સ.)ની યાદમાં તકરીર, નોહા અને માતમ કરાયો હતો. તેમજ ‘સબીલે હુસૈન (અ.સ.)’નું શ્રદ્ધાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
અહેવાલ : સતાર મેતર, સિહોર