સિહોરમાં “માવતર” ગ્રુપ દ્વારા નિ:શુલ્ક પવિત્ર યાત્રા અને સેવા પ્રવૃત્તિ.

સિહોર, તા. 13 ઓગસ્ટ 2025 – પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે સિહોરના “માવતર” ગ્રુપના સેવાભાવી યુવાનો — જયેન્દ્રસિંહ ગોહિલ, જે.કે. સરવૈયા અને તેમના મિત્રમંડળ દ્વારા શહેરના નિરાધાર તથા આશ્રયવિહોણા વૃદ્ધ માવતર માટે એક અનોખી સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી.

આ અવસરે ગ્રુપના સભ્યો દ્વારા વૃદ્ધોને પવિત્ર યાત્રાધામ — બગદાણા, ભગુડા, ઊંચા કોટડા અને ગોપનાથ જેવા ધાર્મિક સ્થળોની એક દિવસીય નિ:શુલ્ક યાત્રા કરાવવામાં આવી. યાત્રા દરમિયાન વૃદ્ધોને આરામદાયક મુસાફરી, ચા-નાસ્તો તથા દિવસભરનું ભોજન સુવિધાપૂર્વક આપવામાં આવ્યું.

યાત્રા પૂર્ણ થયા બાદ સાંજના સમયે તમામ વૃદ્ધ માવતર માટે પ્રસાદી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના અન્ય સેવાભાવી નાગરિકોએ પણ સહભાગી થઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

“માવતર” ગ્રુપના યુવાનો માત્ર ધાર્મિક યાત્રાઓ જ નહીં, પરંતુ સામાજિક સેવામાં પણ સતત આગળ છે. તેઓ દર મહિને નિરાધાર પરિવારોને ઘરે ઘરે જઈને રાશનની કીટ પૂરી પાડે છે, તેમજ જરૂરિયાત મુજબ આરોગ્ય સહાય અને અન્ય આર્થિક સહાય પણ કરે છે.

આ યુવાનોની માનવસેવા અને નિ:સ્વાર્થ કાર્યશૈલી સિહોરના અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે.

📜 અહેવાલ: સતાર મેતર, સિહોર