સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ – વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે તા. 13/08/2025, બુધવારના રોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી ઉમંગ અને હર્ષોલ્લાસ સાથે યોજાઈ.
કાર્યક્રમની શરૂઆત બાળમંદિરથી લઈને ધોરણ 1 થી 5 સુધીના નાના ભૂલકાઓ દ્વારા રાઘા-કૃષ્ણના વેશમાં રંગારંગ રાસ-ગરબા સાથે થઈ. કૃષ્ણ જન્મનું જીવંત ચરિત્ર ચિત્રણ તેમજ મટકી ફોડનો કાર્યક્રમ બાળકોના ઉત્સાહથી ગુંજી ઉઠ્યો. મટકીમાં ભરાયેલ ચોકલેટ પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યું.
શિક્ષક મંડળીએ જન્માષ્ટમી પર્વના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ પર પ્રકાશ પાડ્યો, જેથી બાળકોમાં સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થાય. શાળા પરિસરમાં ખાસ તૈયાર કરાયેલા ઝુલામાં બાળ કૃષ્ણને બેસાડી તેમની આરતી ઉતારવાની વિધિ પણ સંપન્ન થઈ.
કાર્યક્રમમાં ટ્રસ્ટી/સંચાલક પી.કે. મોરડિયા, કેમ્પસ ડાયરેક્ટર અનિકેતભાઈ રાજ્યગુરુ, આચાર્ય સંગીતાબેન કોઠડિયા, કોર્ડિનેટર ભાવેશભાઈ કસોટીયા, સુપરવાઈઝરો અને શિક્ષકગણ વિશેષ ઉપસ્થિત રહ્યા. કૃષ્ણ-રાઘા વેશ ધારણ કરનાર તમામ વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રમાણપત્ર, મોમેન્ટો અને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે.
આ આખા કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
અહેવાલ: સતાર મેતર, સિહોર