સુઈગામ ખાતે SSIP 2.0 અંતર્ગત પ્રાકૃતિક ખેતી પર વર્કશોપ યોજાયો

પદ્મશ્રી ગેનાભાઈ પટેલએ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ સહિત પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપ્યુંસરકારી વિનયન કોલેજ,સુઈગામ ખાતે Student Start-up Innovation Policy (SSIP) 2.0 અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ માટે વર્કશોપનું આયોજન પદ્મશ્રી ગેનાભાઈ પટેલની અધ્યક્ષતામાં કરાયું હતું. આ કાર્યક્રમમાં પદ્મશ્રી ગેનાભાઈ પટેલએ વિદ્યાર્થીઓને Start-Up શું છે તેના વિશે વિસ્તૃત માહિતી ઉપરાંત ગાય આધરિત પ્રાકૃતિક ખેતી ઉપર પ્રેરણાદાયક વ્યાખ્યાન આપ્યું હતું. પોતાના વક્તવ્યમાં પદ્મશ્રી પટેલએ પોતાની પારિવારિક, આર્થિક, સામાજિક પરિસ્થિતિથી શરૂ કરી સિદ્ધિ મેળવવા સુધીની રોચક તેમજ પ્રેરણાદાયક વાતો વિદ્યાર્થીઓ સાથે શેર કરી હતી.

પદ્મશ્રી પટેલને અત્યારસુધી ૦૨ અંતરરાષ્ટ્રીય અને ૧૦ રાષ્ટ્રીય એવાર્ડ મળ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને ગાયના ગોબરથી કમ્પોસ્ટ ખાતર, રાસાયણિક ખાતરથી થતું નુકશાન, પ્રાકૃતિક ખેતી, સરકારશ્રી તરફથી સહાય સહિત સ્વસ્થ સમાજ માટે પ્રાકૃતિક ખેતી જ મહત્વની હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમની શુરૂઆત SSIP કોર્ડીનેટર ડો. ડી.એચ.માળીએ કરી હતી, જેમાં Student Start-Upની વિસ્તૃત માહિતી, વર્તમાન શિક્ષા પ્રણાલી અને વૈશ્વિક પરિવેશમાં સ્ટાર્ટ-અપની ભૂમિકા પર વિદ્યાર્થીઓને માહિતી આપી હતી.

કોલેજના આચાર્યશ્રીએ વર્તમાન સમયમાં જયારે જનસંખ્યા દિવસે-દિવસે વધતી જાય છે ત્યારે કમ્પ્યૂટર તેમજ મશીનીકરણના કારણે રોજગારના અવસર ઓછા થતા જાય છે.ત્યારે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારો દ્વારા સોનેરી તક, જેમાં વિદ્યાર્થીઓ પાસેથી Ideasને આગળ વધારવા માટે વિદ્યાર્થીઓએ આર્થિક સહાય આપવાની સરકારશ્રીને જે યોજનાઓ છે તે અંતર્ગત વિદ્યાર્થીઓ સ્વરોજગાર ઉભા કરી શકે જેથી તકનીકી, રીસર્ચ અને Innovation થકી એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થાય તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૧૬૭ વિદ્યાર્થીઓ તેમજ તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)