સુત્રાપાડાના લોઢવા ગામે આજે વહેલી પરોઢે એક બાળસિંહ ખુલ્લા કૂવામાં ખાબકયો

સુત્રાપાડા ના લોઢવા ગામે સાતવા ના પા વિસ્તારમાં વહેલી સવારે ચાર સિંહો આવી ચડ્યા હતા જેમાંથી એક સિંહા બાળ કૂવામાં ખાબકતા ખેડૂત દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરતાં વન વિભાગની રેસ્ક્યૂ ટીમ દ્વારા ત્રણેક કલાકની જહેમત બાદ બાળ સિંહને સહીસલામત કૂવામાંથી બહાર કાઢી બચાવી લેવાયો હતો.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારે અંદાજે ચારેક વાગ્યાના સુમારે લોઢવા ગામે સાતમાનો પા વાડી વિસ્તારમાં રહેતા ચૂડાસમા રમેશ દાનાભાઈની વાડીમાં ચારેક સિંહનો સમૂહ આવી ચડ્યો હતો. જે પૈકી એક બાળસિંહ ખુલ્લા કૂવામાં ખાબકયો હતો. ખેડૂત રમેશભાઈને કૂવામાં કંઈક પડ્યાનો અવાજ આવતા કૂવામાં જોતાં એક સિંહ કૂવામાં હોવાનું જણાતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.

વન વિભાગને ઘટનાની જાણ થતાં રેન્જ ફોરેસ્ટર એન.એમ.પંપાણીયા, ડી.વી.મકવાણા, શીતલબેન ગોરડ, મોહિત વૈષ્ણવ સહિત ટ્રેકર ગાર્ડની રેસ્ક્યૂ ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સિંહને કૂવામાંથી બહાર કાઢવા કવાયત હાથ ધરી હતી. અંદાજે ત્રણેક કલાકની જહેમત બાદ બાળ સિંહને વનની રેસ્ક્યૂ ટીમ દ્વારા સહીસલામત બહાર કાઢી લેવાયો હતો. વન વિભાગના જણાવ્યા અનુસાર અંદાજે 1થી દોઢ વર્ષના આ બાળ સિંહને સારવાર અર્થે અમરાપુર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.બાળસિંહને સહીસલામત બહાર કાઢી લેવાયો હાલ હાડ થીજાવતી ઠંડી વચ્ચે વહેલી પરોઢે ખુલ્લા કૂવામાં ખાબકેલ બાળસિંહ ઠંડીના કારણે વધુ જોખમી સ્થિતિમાં હતો. જોકે ખેડૂત અને વન વિભાગની રેસ્ક્યૂ ટીમની સમયસૂચકતાના કારણે બાળસિંહનો જીવ બચી જવા પામ્યો હતો.

અહેવાલ : દિપક જોશી પ્રાંચી (સોમનાથ )