સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દરબારમાં ભક્તિમય માહોલ વચ્ચે વિશેષ રાજોપચાર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ, શ્રાવણ માસના મંગળવાર, તા. 12-08-25ના રોજ દાદાને પંઢરપુર વિઠ્ઠલજી ભગવાનની થીમવાળા પ્યોર સિલ્કના વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. દાદાનું સિંહાસન પંઢરપુર મંદિરની પ્રતિકૃતિ પ્રમાણે અલંકૃત કરાયું હતું.
મંદિર પ્રાંગણમાં વિવિધ પ્રકારના હિંડોળા દર્શનનું આયોજન થયું, જેના દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ અને ઓનલાઈન લીધો. સાંજે 5 વાગ્યે દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન શરૂ થયું, જેમાં ફળ, પુષ્પ, ડ્રાયફ્રુટ સહિત અનેક પ્રકારના ભેટો ધરાવવામાં આવ્યા. 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓથી દાદા પર પુષ્પવર્ષા કરવામાં આવી.
સાંજે 7 વાગ્યે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે દાદાની દિવ્ય સંધ્યા આરતી યોજાઈ. ભક્તોએ સંગીત, શાસ્ત્રીય નૃત્ય અને વેદ મંત્રોચ્ચાર સાથે દાદાના દર્શન કરી અનોખો આધ્યાત્મિક આનંદ અનુભવ્યો.
રાજોપચાર પૂજનનું ધાર્મિક મહત્વ પણ વિશાળ છે. હનુમાનજી મહારાજને રાજાની જેમ વિધિવત સેવા અર્પણ કરી, ચારેય વેદોના મંત્રો, શાસ્ત્રો, પુરાણો અને ઉપનિષદોના પાઠ સાથે સંગીત-નૃત્ય દ્વારા પ્રસન્ન કરવામાં આવે છે.
સાળંગપુરધામમાં આવું પૂજન ઘણીવાર ભક્તોના સંકલ્પ મુજબ, તિથિઓ કે વિશેષ પર્વોમાં યોજવામાં આવે છે. ગુલાબની સુગંધ, ભક્તોની ભાવના અને દાદાનો દિવ્ય શણગાર — આ બધાએ આજે સાળંગપુરધામને ભક્તિ અને ભવ્યતાનો અનોખો રંગ આપ્યો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ