સુરત: સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલના ટીબી અને ચેસ્ટ વિભાગના વડા ડૉ. પારુલ વડગામાને ભારતના નેશનલ ટીબી નિવારણ પ્રોગ્રામ (NTEP) હેઠળ નવી રચાયેલ **નેશનલ ટેક્નિકલ એક્સપર્ટ ગ્રૂપ (NTEG)**માં સબ્જેક્ટ એક્સપર્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ ગ્રૂપની અધ્યક્ષતા ડૉ. કિરણ કટોચ કરશે. દેશભરમાં ટીબી નિયંત્રણ અને નિવારણને મજબૂત કરવા માટે આ ગ્રૂપ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેમાં પેડિયાટ્રિક, એક્સ્ટ્રા-પલ્મોનરી, ડ્રગ-પ્રતિરોધક કેસો તથા કોમોર્બિડિટીના કેસોમાં નિષ્ણાત સલાહ આપવામાં આવશે. સાથે જ રાષ્ટ્રીય માર્ગદર્શિકા સુધારવા, નવીન પદ્ધતિઓ પ્રોત્સાહિત કરવા અને કુદરતી આપત્તિ-મહામારી જેવી પરિસ્થિતિમાં પ્રોગ્રામને અનુકૂળ બનાવવા માટે પણ ગ્રૂપ કાર્યરત રહેશે.
ડૉ. પારુલ વડગામા છેલ્લા 19 વર્ષથી ટીબી નિવારણ ક્ષેત્રે સક્રિય છે. તેમણે અત્યાર સુધીમાં 250 ટીબી દર્દીઓને દત્તક લીધા છે, જ્યારે તેમના પ્રેરણાથી સમાજસેવીઓ દ્વારા 1,000થી વધુ દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે. તેમણે ગ્રામ્ય સુરતમાં જાગૃતિ અભ્યાસો, DOTS થેરાપી પ્રોગ્રામ્સ તેમજ બ્રોન્કોસ્કોપ, સ્લીપ મેડિસિન જેવી અદ્યતન સુવિધાઓ શરૂ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.
તેઓ IMA સુરતના પૂર્વ પ્રમુખ અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી રહી ચૂક્યા છે અને અનેક જાહેર સ્વાસ્થ્ય કેમ્પો તથા જાગૃતિ અભિયાનો દ્વારા લોકો સુધી પહોંચ્યા છે. રાજ્યની ટીબી નિવારણ ટાસ્ક ફોર્સ અને વિવિધ રિસર્ચ ટીમના સભ્ય તરીકે પણ તેઓ કાર્યરત રહ્યા છે.
ડૉ. વડગામાએ પોતાની નિયુક્તિ અંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે:
“આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના 2025 સુધી ભારતને ટીબી-મુક્ત બનાવવાના સ્વપ્નને સાકાર કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.”
📌 અહેવાલ: સુરત પ્રતિનિધિ