સુરતના આવાસમાં પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ઉભી કરવા કોંગ્રેસની માગ સાથે આવેદનપત્ર અપાયું.

સુરત :

સુરતમાં ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે સરકાર દ્વારા આવાસની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે ભેસ્તાન આવાસમાં 450 જેટલા બિલ્ડીંગમાં 20,000 જેટલા લોકો વસવાટ કરે છે. પરંતુ, અહીં પ્રાથમિક સુવિધાઓ ન હોવાના કારણે લોકો નર્કાગાર સ્થિતિમાં જીવન જીવી રહ્યા હોવાની રજૂઆત કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી હતી.

ભેસ્તાન આવાસમાં લોકો ભગવાન ભરોસે રઝળતા મૂકી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે કહ્યું કે, અહીં કોઈ સફાઈ થતી નથી. સ્ટ્રીટ લાઈટો નથી. રસ્તાઓ પણ જર્જરીત હાલતમાં છે. છાસવારે ગટરો ઉભરાય છે. જેના કારણે રોગ ચાલો ફાટી નીકળવાનો ભય છે. પીવાનું પાણી પણ ગંદુ આવે છે. શાકભાજી માર્કેટ જર્જરીત હાલતમાં છે. તેના કારણે ગંદકીઓ પણ ખૂબ પ્રમાણમાં થાય છે.

કોંગ્રેસના ધનસુખ રાજપૂત કહ્યું કે, અહીં જાજરૂ જેવી પણ સુવિધાઓ નથી. કબ્રસ્તાનનું વચન હજી સુધી પૂર્ણ થયું નથી. હાલમાં જે સ્થળે મસ્જિદ છે .તે જ સ્થળે ચાલુ રાખવી જરૂરી છે. ફાળવેલ જમીન કરતા અહીં વર્ષોથી પ્રાર્થના કરવામાં આવી રહી છે. સાથે જ કોઈ સાફ-સફાઈ પણ કરવા કોઈ જતું ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)