સુરતના ઉધનામાં પ્લાયવુડના કારખાનામાં લાગી ભીષણ આગ લાખોનું માલ બળીને ખાક થયો.

સુરત :

સુરત શહેરમાં એક બાદ એક મોટી દુર્ઘટનાઓ બની રહી છે, ત્યારે આજે તા. 10 જુલાઈની સવારે શહેરના ઉધના વિસ્તારમાં આવેલી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભીષણ આગ લાગી હતી, જેના લીધે ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું.

મળતી માહિતી પ્રમાણે ઉધના વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મંદિર પાસે નજીકની રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલના પ્લાયવૂડના કારખાનામાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. લાકડાના કારખાનામાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ હતી. આગે કારખાનાના પહેલા માળે આવેલા લૂમ્સના કારખાનાને પણ ઝપેટમાં લઈ લીધું હતું. ઘટનાની જાણ થતા જ 6 ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી જઈ આગ પર કાબૂ મેળવવાનું શરૂ કર્યું છે. આગથી કારખાનામાં કામ કરતા લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ છે.

વધુમાં મળતી માહિતી અનુસાર ઉધનામાં આવેલી રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પ્લાયવૂડ બનાવવાનું કારખાનું છે જેમાં આગ લાગી હતી. આ આગ ગ્રાઉન્ડ ફ્લોર પરથી પહેલા માળના લુમ્સના કારખાના સુધી પહોંચતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્લાયવૂડ બનાવવાનું કારખાનું હોવાને કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હતી..

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)