સુરત :
સુરત શહેરમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. સોમવારે તા. 20 જૂનની રાત્રે શહેરના ઉન વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેશનમાં ત્રણ તોફાનીઓ ઘૂસી ગયા હતા અને બસ સ્ટેશનના કેશિયર સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ બસના કાચ અને સીસીટીવી કેમેરા તોડી નાંખી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે બસ એજન્સી દ્વારા ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
સોમવારે રાત્રે લગભગ 8 વાગ્યાના અરસામાં શહેરના ઉન વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેશનમાં આસિફ પિંજરી નામના વ્યક્તિએ તેના મિત્રો સાથે ઘુસી જઈ તોફાન મચાવ્યું હતું. આસિફે બસ સ્ટેશનના કેશિયર સાથે ઝઘડો કર્યો હતો. આસિફના પોકેટમાંથી રૂપિયા બસ સ્ટેન્ડમાં ખોવાઈ ગયા હતા. તે મામલે આસિફે સિટી બસના કર્મચારી અફઝલ હુસેન પર આરોપ મુક્યો હતો.
બસ ઓપરેટ કરતી એજન્સીએ ભેસ્તાન પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
BRTS સ્ટેશનમાં તોડફોડ કરાતા વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના આધારે ભેસ્તાન પોલીસે ત્રણ આરોપીઓ આસિફ રહેમાન પિંજરી, નાસીર અમીર પઠાણ અને સાકીબ મોસીન અન્સારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)