સુરત :
સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી ભાજપમાં બડબોલા નેતા ગણાય છે. ધારાસભ્ય વિવિધ સમસ્યાઓને લઈને સરકાર સામે ઉભા રહે છે. તેઓ અનેક સમસ્યાઓને લઈને છેક મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજૂઆત કરતા હોય છે. ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાણાનીનો વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે. સુરતમાં ખાડા રાજના ત્રાસને લઈ તેઓએ સુરત મ્યુ.કમિશનરને પત્ર લખ્યો છે.
કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું કે, હાલ ચોમાસા દરમ્યાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે. અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું છે. જે સહન કરી શકાય તેમ નથી. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરેલ છે તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે. પરંતુ ૬૦ સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી. થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે. તેના કારણે ટ્રાફિક પણ અસહ્ય થાય છે. અને સિગ્નલનો હેતુ પણ રહેતો નથી. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છતા સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર મૂર્છા અવસ્થામાં છે. ઉંઘી રહ્યું છે. જે ખુબ જ દુઃખદ બાબત છે. તો યુધ્ધના ધોરણે રીપેર કરવા મારી માંગણી છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)