સુરતના પાલ,અડાજણ, વેસુના ટી-કેફે પર મોડી રાત્રે પોલીસની સરપ્રાઈઝ ચેકિંગ.

સુરત :

સુરત શહેરના વેસુ, પાલ, અડાજણના પોશ વિસ્તારમાં મોડી રાત સુધી ધમધમતાં ટી-કેફે પર બુધવારની રાત્રિએ સુરત એસઓજી પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ કેફેમાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. આ સાથે જ મોડી રાત સુધી કેફે પર બેસી રહેતા સારા ઘરના લોકો, યુવાનોને સમજાવીને ઘરે મોકલ્યા હતા.

છેલ્લા કેટલાંક વર્ષોમાં સુરત શહેરમાં ડ્રગ્સનો વેપલો ખૂબ વધ્યો છે. યુવાનો આ નશાની જાળમાં ફસાઈ રહ્યાં છે ત્યારે પોલીસે નો ડ્રગ્સ ઈન ધ સિટી અભિયાન ચલાવી નશાના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. હવે એસઓજી અને પોલીસ ક્રાઈમ બ્રાન્ચ પણ વિવિધ ટી સ્ટોલ, કેફે પર સરપ્રાઈઝ ચેકિંગ કરી રહી છે.

ખાસ કરીને રાત્રી દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા આવી જગ્યા ઉપર ગેર પ્રવૃત્તિઓ કરતા હોય છે. નશાની હાલતમાં તેઓ મોટી ઘટનાઓને પણ અંજામ આપતા હોય છે. જેથી તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)