સુરત:
સુરત શહેરના ભટાર ખાતે અમરદીપ એપાર્ટમેન્ટની લિફ્ટમાં 14 વર્ષીય તરૂણનું માથું ફસાઈ જતા તેનુ મોત નિપજ્યું હતું. તરૂણ વેકેશનની રજા માણવા માટે મહિના પહેલા ઓરિસ્સાથી સુરત આવ્યો હતો.
નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મુળ ઓરિસ્સા ગંજામનો વતની અને હાલ વેડરોડ ખાતે રહેમતનગરમાં રહેતા રામચંદ્ર શાહુ સંચા ખાતામાં નોકરી કરી વતન ખાતે રહેતા પરિવારનુ ગુજરાન ચલાવે છે. રામચંદ્ર શાહુના સંતાન પૈકી રાકેશ (14 વર્ષ) વતનમાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. મહિના પહેલા તે વેકેશનની રજા માણવા માટે વતનથી સુરત પિતા પાસે આવ્યો હતો. તેમજ બે દિવસ પહેલા રાકેશ ભટાર ખાતે આવેલ અમરદીપ એપાર્ટમેન્ટમાં રહેતી પોતાના સંભધીના ઘરે આવ્યો હતો. દરમિયાન ગુરુવારે સાંજના સમયે રાકેશ અમરદીપ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટમાં 7માં માળે જઈ રહ્યો હતો. ત્યારે વચ્ચે લિફ્ટમાં તેનુ માથુ ફસાઈ ગયું હતું. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)