સુરતના રાંદેર વિસ્તારમાં વીજચોરી સામે વિશાળ વિજીલન્સ રેડ, ૪,૫૩૩માંથી ૧૭૭ કનેક્શનમાં પકડાઈ ₹2.47 કરોડની વીજચોરી.

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં બુધવારે વીજચોરીના અનેક કેસ સામે આવ્યા જ્યારે GUVNL અને DGVCL વિજીલન્સ વિભાગની 96 ટીમોએ એકસાથે ચેકીંગ અભિયાન હાથ ધર્યું હતું. રાંદેર શહેર-1 અને 2 પેટા વિભાગીય કચેરીના વિસ્તારમાં કુલ 4,533 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી, જેમાંથી 177 કનેક્શનમાં વીજચોરીના સ્પષ્ટ પુરાવા મળ્યા, જેની અંદાજિત કિંમત ₹2,47,70,500/- જેટલી છે.

આ કામગીરી વિજીલન્સ વિભાગના વડા ઈજનેર ડી.પી. મોદી, યુ.એ. ચૌધરી અને બી.સી. ગોધાણીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ અને GUVNL સ્ટાફ સાથે સંકલનમાં ચાલી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે ઘણા કિસ્સાઓમાં મીટરના બોડી સીલ કાપી, આંતરિક વાયરિંગમાં ચેડાં, તેમજ મેઈન સર્વિસ લાઈનમાં ટૅપિંગ કરીને ડાયરેક્ટ કનેક્શન દ્વારા વીજચોરી થઈ રહી હતી.

ચેકીંગ દરમિયાન ટેક્નિકલ સાધનો અને અનુભવી વિજતંત્રીઓની ટીમોએ સ્થાન પર તપાસ કરી ધોરણસર કાર્યવાહી કરી હતી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આવા વિશાળ પ્રમાણમાં ચેકીંગ અભિયાનો ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે, જેથી વીજ ચોરી અટકાવી શકાય અને નિયમિત ગ્રાહકો પર અન્યાય ન થાય.

અહેવાલ :- પ્રવેશ (સુરત)