સુરત :
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં સવારે ભયાનક આગની દુર્ઘટના બની હતી.વહેલી સવારે મકાનના પાછળના ભાગે સોસાયટીમાં ચાર્જિંગમાં મુકેલી ઈ-બાઈકમાં અચાનક આગ લાગી હતી. આ આગ ફેલાઈને ઘરીની અંદર સુધી ગેસ સિલિન્ડર સુધી પ્રસરી હતી. જે આગના લીધે ગેસનો બાટલો બ્લાસ્ટ થતાં દીવાલ અને દરવાજો તૂટી ગયો હતો. આ આગમાં પાંચ લોકોનો પરિવાર ઝપેટે આવ્યો હતો. ભયાનક આગમાં 18 વર્ષની યુવતી ભડથું થઈ ગઈ હતી, જ્યારે પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આગ લાગી હોવાની જાણ થતાં ફાયરનો કાફલો દોડી ગયો હતો. ફાયરના સૂત્રો અનુસાર આ આગજનીની ઘટનામાં 18 વર્ષીય મહિમા દોલારામ સિરાવીનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે પરિવારના અન્ય સભ્યો તેના પિતા દોલારામ જસારામ સિરવી (ઉં.વ. 46), તેની માતા ચંપાબેન દોલારામ સિરવી (ઉં.વ. 42), ચિરાગ દોલારામ સિરવી (ઉં.વ. 8) અને દેવિકા દોલારામ સિરવી ગંભીર રીતે દાઝી ગયા છે. મૃતક મહિમા ધો. 12માં અભ્યાસ કરતી હતી. પરિવારના અન્ય સભ્યોને ફાયર વિભાગે સીડીની મદદથી રેસ્ક્યુ કર્યા હતા.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)