સુરતના વરાછામાં દારૂના નશામાં ઝઘડો થયા બાદ ઘાતક હથિયારથી હુમલો થતાં એકનું મોત
સુરત :
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા બોમ્બે માર્કેટના ગેટ નંબર-4 સામે દારૂના નશામાં ઝઘડો થયો હતો. ત્યારબાદ એક યુવકે બીજાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો પણ 10 ફૂટ દૂર જઈને તે રોડ પર ઢળી પડ્યો હતો. મોડીરાત્રે બનેલી આ ઘટના બાદ પોલીસે આરોપીને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે.
હત્યા કરી આરોપી થયો ફરાર
મૃતક મૂળ ઓડિશાનો 28 વર્ષીય દેબાસીસ બહેરા એકલો રહેતો હતો. છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો. પરિવાર વતનમાં રહેતો હતો. દેબાસીસ અને આરોપી યુવક વચ્ચે દારૂના નશામાં ઝઘડો થયો હતો. ત્યાર બાદ ત્યાં રોડની સાઈડ પર જ ઝૂંપડાઓના રહીશો માટે બનાવવામાં આવેલા બાથરૂમની બહાર જ ચપ્પુના ઘા માર્યા હતા. ત્યાર બાદ દેબાસીસે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે 10 ફૂટ દૂર જઈને જ રોડ પર ઢળી પડ્યો હતો. જેથી આરોપી નજીકમાં જ આવેલી એક અવાવરૂ જગ્યા પરથી જતો રહ્યો હતો. પોલીસે કહ્યું કે, હત્યા સમયે ત્રણ જેટલા યુવકો સાથે હતા. ત્યાર બાદ ઝઘડો થતાં હત્યા કરવામાં આવી હતી. આ મામલે વરાછા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની ઊઠક બેઠકની જગ્યાઓ સહિતની જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. જો કે, ક્યા કારણે હત્યા કરવામાં આવી તે તપાસ હાથ ધરવામાં આવી.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)