સુરતના વીઆર મોલને ફરી બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી.

સુરત :

સુરતના વીઆર મોલને ઇમેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઘટનાની જાણ થતા જ બોમ્બ અને ડોગ સ્કવોર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ ઇમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેને તપાસ કરવામાં આવી રહી છે.

રક્ષા બંધનનો તહેવાર અને રજા દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સુરત શહેરના પીપલોદ રોડ પર આવેલા વીઆર મોલને બોમ્બ વડે ઉડાવી દેવાની ભમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જેથી મોલના મેનેજમેન્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આજે રક્ષાબંધનનો તહેવાર અને રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો, ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોલમાં પહોંચી ગઇ હતી. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી મોલમાં હાજર લોકો બહાર કાઢીને મોલ ખાલી કરાવ્યો હતો. જેથી કોઇ નાસભાગ કે દુર્ઘટના ન સર્જાય. પોલીસે ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની પણ મદદ લીધી હતી. મોટી સંખ્યામાં પોલીસ ટીમને જોતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મોલની તપાસ કરી હતી. જોકે હજુ સુધી શંકાસ્પદ મળી આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ ગત 9 એપ્રિલે પણ વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)