સુરતના સારોલી પોલીસ મથક નજીક એક વર્ષથી ચાલતા બિયરબાર પર સ્ટેટ મોનીટરીંગસેલે રવિવારે રેઈડ કરતા નાસભાગ મચી ગઈ.

સુરત :
સુરતના સારોલી પોલીસ સ્ટેશનથી માત્ર એક કી.મીના અંતરે છેલ્લા એક વર્ષથી ચાલતા બિયર બારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે રવિવારે ભરબપોરે રેઈડ કરતા નાસભાગ મચી ગઈ હતી.રેઈડને પગલે ત્યાં દારૂ પીવા આવેલા કેટલાક પાછળ ખેતરમાં ભાગી ગયા હતા.જોકે, સ્ટેટ મોનીટરીંગ સેલે બિયર બાર સંચાલકના ત્રણ માણસોને ઝડપી પાડી દારૂ પીવા આવેલા સાત ગ્રાહકને પણ પકડી ત્યાંથી દારૂની 438 બોટલ સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો.ક્યુઆરકોડથી પેમેન્ટ લેવા 7 સ્કેનર પણ મળ્યા હતા.

ગૃહ રાજ્યમંત્રીના સુરતમાં જ દમણ જેવો બાર સ્ટેટ મોનીટરીંગ સેલે ભરબપોરે રેઈડ કરતા નાસભાગ મચી

સ્ટેટ મોનીટરીંગ સેલે મળેલી બાતમીના આધારે ગત બપોરે સારોલી પોલીસ સ્ટેશનથી એક કી.મી ના અંતરે સારોલી પુણા રોડ સાયોના ચાર રસ્તા પાસે ઈંડા ગલીમાં ખુલ્લા છાપરામાં ચાલતા બિયર બાર ઉપર રેઈડ કરી હતી.સ્ટેટ મોનીટરીંગ સેલની રેઈડને પગલે ત્યાં દારૂ પીવા આવેલા અને ત્યાં હાજર અન્ય લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.કેટલાક લોકો પાછળ ખેતરના રસ્તે ભાગવામાં સફળ રહ્યા હતા.જયારે સ્ટેટ મોનીટરીંગ સેલે ત્યાંથી 10 વ્યક્તિને ઝડપી લીધા હતા.સ્ટેટ મોનીટીરીંગ સેલને ત્યાં ટેબલ ખુરશી ઉપર બેસીને કુલર, પંખાના પવનની નીચે દારૂની સાથે ચખનાની મજા માણવાની વ્યવસ્થા મળી હતી.સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પરથી રૂ.61,060 ની મત્તાની દારૂની 438 નાની-મોટી બોટલ, દારૂ અને ચખના વેચાણના રોકડા રૂ.72,360, રૂ.1,10,500 ની મત્તાના 10 મોબાઈલ ફોન, રૂ.2.40 લાખની મત્તાના છ ટુવ્હીલર, 7 ક્યુઆર કોડ સ્કેનર, દારૂની કાચની ખાલી 6 બોટલ, પાણીની ખાલી અને ભરેલી પ્લાસ્ટીકની બોટલો, પ્લાસ્ટીકના ખાલી ગ્લાસ, ચખનાના 949 પેકેટ, સોફ્ટ ડ્રીંક, સોડાની બોટલો, ફ્રીઝ, કુલર, પંખા મળી કુલ રૂ.5,04,959 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)