સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 20% ફી વધારો, ABVPનું વિરોધ પ્રદર્શન – આંદોલનની ચીમકી

સુરતના વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય બનતી ઘટનાઓ વચ્ચે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા કોલેજોમાં ચાલી રહેલા સ્વનિર્ભર કોર્સીસ સહિત અન્ય વિવિધ ફી માપદંડોમાં આશરે 20 ટકા જેટલો મોટો વધારો કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના નિર્ણય બાદ વિદ્યાર્થી સંગઠનોમાં ભારે ઉગ્રતા જોવા મળી છે.

વિશેષ કરીને ABVP – અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના આ નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ABVPની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓએ ખુલ્લા શબ્દોમાં ચીમકી આપી છે કે જો યુનિવર્સિટી તાત્કાલિક ફી વધારો પાછો નહીં ખેંચે, તો આગામી સમયમાં વિશાળ આંદોલન થશે.

મળતી માહિતી અનુસાર ફક્ત ટ્યુશન ફી જ નહીં, પણ વેલફેર ફી, સાધનો ફી, પુસ્તકલય ફી, એમેનીટીઝ ફી અને કેમ્પસ ડેવલોપમેન્ટ ફંડ જેવા વિવિધ હેડિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને સ્વનિર્ભર કોર્સીસમાં આ વધારો સીધો રીતે વિદ્યાર્થીઓ અને તેમના પેરેન્ટ્સની આર્થિક સ્થિતિને અસર પહોંચાડે છે.

ABVPના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, શિક્ષણ પદ્ધતિ અને અભ્યાસક્રમોમાં કોઈ મોટો સુધારો કર્યા વિના, ફીમાં કરાતો વધારો ન્યાયસંગત નથી. યુનિવર્સિટી પર વિદ્યાર્થી વર્ગ પર આર્થિક બોજ નાંખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે, યુનિવર્સિટી તાત્કાલિક રીતે આ નિર્ણય પર પુનર્વિચાર કરે અને ફી વધારાને રદ કરે. નહીં તો તેઓ શાંતિપૂર્ણ પણ ઉગ્ર પ્રદર્શનોથી લઇ રાજભવન સુધી રેલી કાઢવાની તૈયારીમાં છે.

આ મુદ્દે યુનિવર્સિટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ વિદ્યાર્થી વર્ગમાં આ મુદ્દે વ્યાપક નારાજગી જોવા મળી રહી છે.