સુરત :
સુરત શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં લોકો સીધા જોડાઈ રહ્યાં છે અને તેમાં પણ સરકાર દ્વારા તિરંગા યાત્રા-હર ઘર તિરંગા જેવી ઝુંબેશ શરૂ કરવામાં આવી હોવાથી લોકોના ઘર અને ધંધાકીય સ્થળો પર લાખોની સંખ્યામાં તિરંગા ફરકાવવામાં આવી રહ્યા છે. પરંતુ રાષ્ટ્રીય તહેવાર પુરો થયા બાદ અનેક રાષ્ટ્રધ્વજની સન્માન જળવાતું ન હોવાની અનેક ફરિયાદ બહાર આવે છે. આવી ફરિયાદ કરવાના બદલે સુરતની એક સંસ્થાએ રાષ્ટ્ર ધ્વજનું સન્માન જાળવવા માટે મિશન તિરંગા શરૂ કર્યું છે અને શહેરના જુદા-જુદા વિસ્તારમાં 16 જેટલી તિરંગા રક્ષા પેટી મુકી છે. અત્યાર સુધીમાં આ સંસ્થાએ શહેરમાંથી 9500 રાષ્ટ્ર ધ્વજનું સરકારના નિયમથી સન્માનપૂર્વક વિસર્જન કર્યું છે.
રાષ્ટ્રીય તહેવાર બાદ ફરકાવેલો રાષ્ટ્ર ધ્વજનું સન્માન જાળવવું દરેક ભારતીયની ફરજ છે પરંતુ અનેક લોકો ધ્વજ ફરકાવી ભુલી જાય છે અને અજાણ્યે આ ધ્વજ ક્ષતિગ્રસ્ત થાય છે. તેથી ધ્વજનું સન્માન જળવાતું નથી. પરંતુ આવા ક્ષતિગ્રસ્ત ધ્વજને જોઈને ડિફેન્સમાં જોડાવવા માટેની તૈયારી કરતાં અર્પિત પ્રજાપતિનું મન દ્રવી ગયું હતું. પોતે કોઈ કારણસર ડિફેન્સમાં જોડાઈ શક્યા ન હતા હાલ આઈ.ટીમાં કામ કરી રહ્યા છે પરંતુ વિચાર ડિફેન્સ જેવા જ રહ્યાં હોવાથી તેઓએ તેમના મિત્રો સાથે મળીને રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય અને તેનું સન્માન જળવાઈ રહે તે માટે એક અભિયાન શરૂ કર્યું હતું. શરૂઆતમાં આ સભ્યો દ્વારા ક્ષતિગ્રસ્ત રાષ્ટ્ર ધ્વજને જાતે ભેગા કરીને ધ્વજ માટેના વર્ષ 2002ના કાયદા પ્રમાણે તેનું વિસર્જન કરવાનું શરૂ કર્યું હતું.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)