સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી આવી વિવાદમાં હોસ્ટેલમાં ડોક્ટરે થાઈ ગર્લ બોલાવતા બબાલ

સુરત :
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે આ વખતે સ્મીમેર હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાં રેસિડન્ટ ડોક્ટરે વિદેશી થાઈ ગર્લ બોલાવી હોવાથી હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. મધરાતે બોલાવાયેલી યુવતી સાથે માથાકૂટ થતાં તબીબે તમાચો ઝીંકી દીધો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જો કે, તબિયત બગડી હોવાથી તેણીની સારવાર પણ કરવામાં આવી હતી. જો કે, વાત છૂપાવતા તંત્ર દ્વારા કહેવાયું છે કે તપાસ કરીને જવાબદાર સામે પગલાં લેવામાં આવશે.

રાત્રિના અંધારામાં વિદેશી ગર્લ આવી

કોઈનો જન્મદિવસ હતો કે પછી કોઈ અન્ય કારણોસર વિદેશી ગર્લને બોલાવવામાં આવી તે અંગે પણ હજુ કોઈએ મગનું નામ મરી પાડ્યું નથી. જો કે રાત્રિના કાળા અંધારામાં આવેલી ગોરી યુવતીની વાત સમગ્ર હોસ્પિટલ કેમ્પસમાં ફેલાઈ ગઈ છે. ત્યારે આ મામલે તંત્ર ફરીથી એકવાર ઢાંક પીછોણો કરે છે કે પછી યોગ્ય પગલાં લે છે તે જોવું રહ્યું..કારણ કે અગાઉ પણ અનેકવાર દારૂની બોટલો પણ મળી આવી હતી. જો કે કાર્યવાહીની વાતો વચ્ચે નક્કર કામગીરી જીરો રહેતી હોય તે હકીકત છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)