
સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચરપાર્ક ૮૧ એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે, અને ઉત્તર-દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર છે. પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ, નિદર્શન સાથે સહજ શાંતિ પ્રદાન કરતા સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે ૧૦ લાખથી વધુ મુલાકાતીઓ આવે છે, હાલમાં આ ઝૂમાં ૫૪ વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે, જેમાં ૨૪ પ્રજાતિના ૧૨૮ મેમલ પ્રાણીઓ, ૨૭ પ્રજાતિના ૨૯૪ પક્ષીઓ અને ૫ પ્રજાતિના ૬૧ રેપટાઈલ સામેલ છે. નેચર પાર્કના ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ ડો.રાજેશ પટેલે જણાવ્યું કે, સરથાણા નેચર પાર્ક (પ્રાણી સંગ્રહાલય)માં દર વર્ષે સુરત શહેર-જિલ્લા અને રાજ્યભરમાંથી ૧૦ લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. ઝૂની વિશેષતા તરીકે જળબિલાડીઓનું સંરક્ષણ અને સંચાલન મહત્વપૂર્ણ છે.
સમગ્ર ભારતમાં ઝૂમાં જળબિલાડીઓ માટે ખાસ બિલ્ડિંગ બનાવવામાં આવતું નથી, પણ અહીં ૨૭ જેટલી જળબિલાડીઓ કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવી છે. સાયન્ટિફિક મેનેજમેન્ટના કારણે દર વર્ષે ૫ થી ૭ બચ્ચાંઓ જન્મે છે. અત્યાર સુધીમાં સરથાણા ઝૂમાંથી કુલ ૧૭ જળબિલાડીઓ અન્ય ઝૂ (પ્રાણી સંગ્રહાલય)માં આપવામાં આવી છે.વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રાણી સંગ્રહાલયની વાર્ષિક આવક પર નજર કરીએ તો વર્ષ ૨૦૨૨માં ૯.૪૧ લાખ પ્રવાસીઓએ ઝૂની મુલાકાત લીધી હતી, જેની રૂ. ૨.૫૬ કરોડની આવક થઈ હતી. વર્ષ ૨૦૨૩માં ૮.૭૮ લાખ પ્રવાસીઓ અને રૂ. ૨.૭૬ કરોડની આવક, ૨૦૨૪માં અત્યાર સુધીમાં ૬.૨૨ લાખ પ્રવાસીઓ અને રૂ. ૧.૭૪ કરોડની આવક થઈ છે. ખાસ કરીને દિવાળી અને ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનો ખૂબ ધસારો રહે છે.