સુરત શહેરમાં આજથી ત્રી-દિવસીય ઉદ્યોગ એક્સપોની ધમાકેદાર શરૂઆત થઈ છે, જેનું આયોજન સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવ્યું છે. ઉદ્યોગ અને ટેક્નોલોજીના સંગમરૂપ આ એક્સપોમાં અનેક નવીન પ્રોડક્ટ્સ અને ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવી છે. ખાસ કરીને, AI આધારિત સોલાર CCTV કેમેરા પ્રથમવાર પ્રદર્શનમાં મૂકાયા છે, જે અહીં ઉમટેલા ઉદ્યોગકારો અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આ હાઈટેક CCTV કેમેરા સોલાર એનર્જીથી સંચાલિત છે, એટલે કે વીજળી વગર પણ કાર્યરત રહી શકે છે. ઉપરાંત, તેમાં કૃત્રિમ બુદ્ધિ (AI) ટેક્નોલોજીનો સમાવિષ્ટ કરવામાં આવ્યો છે, જે તેને વધુ સ્માર્ટ અને પ્રભાવશાળી બનાવે છે. સુરક્ષા વ્યવસ્થામાં ક્રાંતિ લાવનારા આ કેમેરા ખાસ કરીને ઉદ્યોગકારો, નાણાકીય સંસ્થાઓ અને હાઉસિંગ સોસાયટીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
ઉદ્યોગ એક્સપોના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને રોકાણકારોએ મુલાકાત લીધી હતી. પ્રદર્શનમાં વિવિધ ટેક્નોલોજી અને ઈનોવેટિવ પ્રોડક્ટ્સનું લાઈવ ડેમો પણ આપવામાં આવી રહ્યું છે, જે સુરતના ઉદ્યોગ જગત માટે મહત્વપૂર્ણ છે. આગામી બે દિવસોમાં વધુ મુલાકાતીઓ અને ઉદ્યોગકારો એક્સપોની મુલાકાત લેશે તેવી સંભાવના છે.