સુરતમાં એક જ પરિવારના ત્રણે સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર 

સુરતમાં એક જ પરિવારના ત્રણે સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર

સુરત :

સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા વરિયાવ ખાતે કેનાલમાં એક મહિલા અને એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે એક પુરુષનો મૃતદેહ ઓલપાડ નજીકથી મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પતિ-પત્ની અને તેમનો અઢી વર્ષીય પુત્રનો મોત થયું છે. આ પરિવાર ભરૂચનો રહેવાસી છે અને અમરોલી ખાતે એક મૈયતમાં આવ્યો હતો. ક્યાંથી પરત ફરતા સમયે આ ઘટના બની છે. જોકે હાલ આપઘાત છે કે અકસ્માત તે રહસ્ય સર્જાયું છે.

 

મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનો નામ 24 વર્ષીય ખુર્શીદા વસીમ પટેલ છે. તેના અઢી વર્ષના દીકરાનું નામ મોઈત પટેલ છે. જ્યારે ઓલપાડ નજીકથી મૃતક મહિલાના પતિનું નામ વસીમ પટેલ છે. આ પરિવાર બાઈક પર ભરૂચ પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. જોકે આ પરિવાર સાથે રસ્તામાં વચ્ચે કોઈ ઘટના બની અને ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે.

 

માતા બાળક બાદ પિતાનો પણ મૃતદેહ ઓલપાડથી મળી આવ્યો 

મળતી માહિતી પ્રમાણે અમરોલી વિસ્તારમાં પોતાના સંબંધીના ઘરે મૈયતમાં સામેલ થવા માટે વસીમ પટેલ અને તેનો પરિવાર આવ્યો હતો. આજે સવારે પાંચ વાગ્યે ભરૂચ જવા માટે આંખો પરિવાર ઘરેથી નીકળ્યો હતો. હાલ તો જે બાઈક પર તે ઘરે જવા નીકળ્યા હતા તે મળી આવી નથી. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ પરિવારમાં કોઈ પણ પ્રકારનો તણાવ ન હતો જેથી આત્મહત્યા કે અકસ્માતને લઈને રહસ્ય સર્જાયું છે. વસીમ પટેલ નો મૃતદેહ ઓલપાડ પોલીસને મળ્યો છે. જેથી આ મામલે તપાસ ઓલપાડ પોલીસ કરશે. જ્યારે ખુરશીદા અને તેના પુત્રના મૃતદેહની તપાસ જહાંગીરપુરા પોલીસ કરશે.

 

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતક મહિલા ગર્ભવતી હોવાનું સામે આવ્યું

 

મૃતક ખુર્શીદા અને માસુમ મોઇતના મૃતદેહનું સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં બન્નેનું મોત પાણીમાં ડૂબી જવાથી થયું હોવાનું સામે આવ્યું છે. પોસ્ટમોર્ટમમાં ખુર્શીદા ચાર મહિનાથી ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે. ખુર્શીદા અને મોઈતના શરીર પર કોઈ બીજાના નિશાન મળી આવ્યા નથી. જ્યારે વસીમના માથા પર ઇજાનું નિશાન છે. આ સાથે જ વસીમનો શર્ટ કે જભો પણ નીકળી ગયેલી હાલતમાં છે.

 

અહેવાલ :- અશ્વિન પાંડે ( સુરત )