સુરતમાં ખાડીપુરની સ્થિતિ કડોદરા-સહારા દરવાજાનો રોડ પાણીમાં થયો ગરકાવ.

સુરત :

સુરત શહેર અને જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી સુરત શહેરમાં સતત અવિરત અનારાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે ઠેરઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. આજે તા. 23 જુલાઈને મંગળવારની સવારથી વરસાદ ફરી જામ્યો છે. સતત વરસી રહ્યો છે, જેના લીધે શહેરના પ્રવેશદ્વાર પૈકીના એક અને સતત 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતા ધોરી નસ સમાન કડોદરા-સહરા દરવાજાનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના લીધે ત્રણથી ચાર કિ.મી. લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારે વરસાદને પગલે સુરતમાં જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે સુરતને નેશનલ હાઈવે 48થી જોડતો કડોદરા સહરા દરવાજા પાસેનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સારોલી નજીક રોડ પર પાણી ફરી વળ્યા છે. નંદુરબાર ધુલિયાથી તમામ વાહનો આ રસ્તે જ સુરતમાં પ્રવેશ કરે છે.

અહીં રાત્રિના સમયે શાકભાજીની ટ્રકો આવતી હોય છે. ટ્રાન્સપોર્ટેશન બસ જેવા મોટા વાહનોની પણ અવરજવર રહેતી હોય છે. દિવસના સમયે નોકરીયાતો, માર્કેટના વેપારીઓ તથા કાપડની હેરફેર કરતા ટેમ્પોની અવરજવર રહેતી હોય છે. અહીં મોટી સંખ્યામાં કાપડ માર્કેટો આવેલી છે. સવારથી વરસાદને લીધે રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બેથી ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)