સુરતમાં ડ્રગ્સનો કાળો કારોબાર: રાંદેર પોલીસે 50.440 ગ્રામ MD ડ્રગ્સ સાથે ચાર આરોપીઓની ધરપકડ.

સુરત શહેરમાં નશાના કાળા ધંધાને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. “#SayNoToDrugsInSuratCity” અભિયાન અંતર્ગત રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે 50.440 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી 5.04 લાખના કિંમતની નશીલી દ્રવ્ય, રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળી કુલ 6.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપીઓના નામ:

  1. જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રતાપભાઈ રાવલ (ઉંમર: 51, રહે: રાંદેર, સુરત)
  2. ગુલામરસુલ મોહમદઅયુબ શેખ (ઉંમર: 35, રહે: રાંદેર, સુરત)
  3. ઉમર યુસુફ શેખ (ઉંમર: 38, રહે: અઠવા, સુરત)
  4. અકીલા સમીર મલેક (ઉંમર: 28, રહે: ઓલપાડ, સુરત)

પોલીસ દ્વારા કબજે કરાયેલ મુદ્દામાલ:

  • 50.440 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ – રૂ. 5,04,400/-
  • રોકડ રકમ – રૂ. 82,150/-
  • 8 મોબાઇલ ફોન – રૂ. 68,200/-

આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓ: આ આરોપીઓમાં કેટલાંકના વિરુદ્ધ અગાઉથી અનેક ગુનાઓ નોંધાયેલા છે. મુખ્ય આરોપી જીતેન્દ્ર રાવલ વિરુદ્ધ અગાઉથી હત્યા, મારપીટ, હથિયાર એક્ટ અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે.

NDPS એક્ટ હેઠળ કેસ નોંધાયો: આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(સી), 22(સી), 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ, પોલીસે આરોપીઓને કસ્ટડીમાં લઇ આગળની તપાસ શરૂ કરી છે.

ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી: સુરત શહેરમાં નશીલા પદાર્થોના કાળાબજારને રોકવા માટે પોલીસ દ્વારા સતત કામગીરી ચાલુ છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ શહેરમાં ડ્રગ્સ સપ્લાય કરતા ગેંગને નાબૂદ કરવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

સુરતના યુવાનોને નશાના જાળમાં ફસાવનારા તત્વો વિરુદ્ધ પોલીસની આ કાર્યવાહી ચાલુ રહેશે. જો કોઈને આવા કાળા કારોબાર અંગે માહિતી હોય, તો તે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

અહેવાલ :- પરવેઝ કુરેશી (સુરત)