સુરતના પુણા કેનાલ રોડ પર આવેલી ત્રણ પ્રાઇવેટ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ – રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડીયા એજ્યુકેશન, ક્રીએટીવ ઇન્સ્ટીટ્યુટ અને એડીટેક ઇન્સ્ટીટ્યુટને ગેરકાયદેસર બતાવી સોશ્યલ મિડિયામાં રીલ્સ અને પોસ્ટ વાયરલ કરી બાદમાં ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.1 કરોડની ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલામાં એનએસયુઆઈના સુરત શહેર પ્રમુખ, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને બે કાર્યકર સહિત પાંચ આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે શખ્સ વોન્ટેડ જાહેર કરાયા છે.
શિક્ષણ સંસ્થાઓના સંચાલકોને ધમકાવી ખંડણી ઉઘરાવવાનો આ ગૂંચવણભર્યો મામલો 13 જાન્યુઆરીએ શરુ થયો હતો. આરોપીઓએ શિખક સંસ્થાઓ વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરવાની ધમકી આપીને સંચાલકો પાસેથી રૂ.1 કરોડની માંગણી કરી હતી, જે બાદ રૂ.60 લાખમાં પતાવટ કરવા તૈયાર થયા. હેરાનગતિનો શિકાર બનેલા સંચાલક હસમુખભાઈ રફાળીયાએ પોલીસે ફરિયાદ નોંધાવતા, જાળ પાથરી આરોપીઓને ફંડ ટ્રાન્સફર સમયે ઝડપી લેવામાં આવ્યા.
પોલીસે ધરપકડ કરેલા પાંચ આરોપીઓમાં ડોક્ટર મિતેશ હડીયા, ધીરેન્દ્રસિંહ સોલંકી, રવિ પુછડીયા, પ્રિત ચાવડા અને તુષાર મકવાણાનો સમાવેશ થાય છે. તેમની સામે ખંડણી ઉઘરાવવાના ગુનાઓ નોંધવામાં આવ્યા છે. આ ઘટના સામે આવતાં જ એનએસયુઆઈના પ્રદેશ પ્રભારી અને અધ્યક્ષે આરોપીઓની સંસ્થામાંથી સસ્પેન્શન જાહેર કર્યું છે.
આ કેસમાં સારોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને બે આરોપીઓ હજુ પણ વોન્ટેડ છે.