સુરત, 22 એપ્રિલ 2025 – જો તમે પણ ઓનલાઇન કે ઓફલાઇન “એક પર એક ફ્રી” ઓફર જોઈને હેડ એન્ડ શોલ્ડર શેમ્પુ જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ખરીદી રહ્યા હો, તો હવે સાવધાની રાખવી જરૂરી બની ગઈ છે.
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં પોલીસની મોટા પાયે કાર્યવાહી સામે આવી છે. છેલ્લા 8 વર્ષથી ચલાવાતો નકલી શેમ્પુનો ગોરખધંધો બહાર આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે નકલી શેમ્પુનું વિતરણ કરતું એક ગોડાઉન છાપામારીમાં પકડાયું છે, જ્યાંથી કુલ 16.36 લાખના મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં હિતેશ શેઠ નામના એક ક્લાર્કને ઝડપી લેવાયો છે, જ્યારે કતારગામના ડેનીશ વિરાણી અને જેમિલ ગાબાણી નામના બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ આરોપીઓ જાણીતી ઈ-કોમર્સ સાઇટ્સ પર આ નકલી શેમ્પુ એક પર એક ફ્રી ઓફરમાં વેચતા હતા. પ્રખ્યાત બ્રાન્ડના પેકિંગ જેવા બોટલમાં કાચું કેમિકલ ભરી ગ્રાહકોને ઠગવાનું ચાલતું હતું.
આ ઘટનાએ શહેરમાં ફેલાયેલા નકલી ઉત્પાદનોના વેપાર અંગે ગંભીર ચિંતા ઉભી કરી છે. પોલીસે જણાવ્યુ છે કે હાલ સમગ્ર નકલી જાળને ઉખાડવા પ્રયાસો ચાલુ છે અને વધુ લોકોની ધરપકડની સંભાવના છે.