સુરતમાં નિયમોના ઉલ્લંઘન કરી ચલાવતાં 5 ગેમઝોનના માલિક સામે ગુનો દાખલ, ચેકીંગમાં ખુલ્લી પડી ગઈ પોલ..

સુરતઃ

રાજકોટમાં શનિવારે સાંજે બનેલી ગેમઝોન હોનારત બાદ સુરત પાલિકા તંત્રએ પણ શહેરમાં ચાલતા ગેમ ઝોનની તપાસ કરી 10 જેટલા ગેમ ઝોનને વિવિધ ખામી માટે બંધ કરાવાયા હતા. પરંતુ આ કામગીરી દરમિયાન પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓની મોટી બેદરકારી બહાર આવી છે. સુરત શહેરમાં એક બે નહીં પરંતુ પાંચ-પાંચ ગેમઝોન પાલિકાની બિલ્ડીંગ યુઝ પરમીશન વિના જ ધમધમતા હતા. આ ગેમઝોનના માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પાલિકા વિસ્તારમાં લોકો પોતાના રહેવા માટે ઘર બનાવે છે. જો તેમાં પાલિકાની બિલ્ડીંગ યુઝ (બી.યુ.) પરમીશન ન હોય અને વસવાટનો પ્રયાસ કરવામા આવે તો પાલિકા તંત્ર આકરી કામગીરી કરે છે. પરંતુ સુરતમાં લાંબા સમયથી પાંચ પાંચ ગેમ ઝોન પાલિકાની બી.યુ પરમિશન વિના કેવી રીતે ચાલતા હતા? તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બધા નિયમો સામાન્ય લોકો માટે જ હોય છે. રાજકારણીઓ અને અધિકારીઓની મીલી ભગતના કારણે આ ગેમ ઝોન બી.યુ પરમિશન વિના ચાલતા હતા અને આવામાં મોટો ભ્રષ્ટાચાર થાય છે તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે.

ક્ષતિઓ હોવાનું સામે આવ્યુ

સરકારના આદેશ બાદ સુરત પોલીસે કાયદાનો કોરડો વિંઝયો છે. પાલિકા, પોલીસ અને ડિજીવીસીએલ ના સંયુક્ત ચેકિંગમાં વિવિધ ક્ષતિઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. રાંદેરની ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક, પાલની ધ ફેન્ટાસિયા 2, ઉમરા શોટ ગેમ ઝોન, વેસુ રિબાઉન્સ ગેમ ઝોન., વેસુ વિઝીલિંક બ્લેમ બની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગેમ ઝોનના માલિક અને સંચાલકો સામે આઈપીસી 336 તથા જીપી એકટ કલમ 131 (ક) મુંજબનો ગુનો દાખલ થયો છે. સેફટી અને પરવાનાં મામલે વિવિધ ક્ષતિઓ હોવાનો ખુલાસો થયો હતો.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)