સુરતમાં પણ ગાંધીધામ જેવી ઘટના: લક્ઝરી કારના કાફલા સાથે બોર્ડના વિદ્યાર્થીઓએ ફેરવેલ ઉજવી, ટ્રાફિક નિયમોનો થયો ભંગ.

સુરત | બોર્ડની પરીક્ષા જીવનનો અગત્યનો તબક્કો હોય છે, અને પરીક્ષા પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓમાં ફેરવેલ ઉજવવાનો ઉત્સાહ જોવા મળે છે. પરંતુ, સુરત શહેરમાં પરીક્ષાપછીની ઉજવણીએ વિવાદજનક સ્વરૂપ ધારણ કર્યું છે.

શહેરની પ્રખ્યાત ફાઉન્ટન હેડ સ્કૂલના બોર્ડના વિદ્યાર્થીઓએ લક્ઝરી કારોના કાફલા સાથે રેલી કાઢીને ફેરવેલ સેલિબ્રેશન કર્યું. જહાંગીરપુરા ડી માર્ટથી ઓલપાડના નરથાન સુધી રેલી દરમ્યાન વિદ્યાર્થીઓ શૂટ-બુટમાં સજ્જ હતા અને કારના સનરૂફમાંથી માથું બહાર કાઢીને ઉલ્લાસ વ્યક્ત કરી રહ્યા હતા. વિડીયો વાયરલ થતા જાણવા મળ્યું કે કેટલાક વિદ્યાર્થીઓએ હાથમાં ટોયગન પણ રાખી હતી અને ભારે અવાજે મ્યુઝિક વગાડીને જાહેર માર્ગ પર હલચલ મચાવી હતી.

આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ અતિશય ઝડપે કાર ચલાવી, જાહેર માર્ગ પર સ્ટંટ કર્યાં, જે સુરક્ષા માટે જોખમી બની શકે છે. આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદિત બની છે.

પોલીસ અને તંત્રની કાર્યવાહી શરુ

આ ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ હરકતમાં આવી ગઈ છે. હાલ વિદ્યાર્થીઓની ઓળખ માટે સીસીટિવી ફૂટેજ અને સોશિયલ મીડિયા ક્લિપ્સનું અનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સામે પણ કાયદેસર કાર્યવાહી થશે.

વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કેવળ ભણતર પૂરતું જ નથી, પણ શિસ્ત અને જવાબદારી પણ એનો અભિન્ન ભાગ છે. આવી ઘટનાઓ સંસ્કૃતિ અને શિક્ષણની ગરિમાને નુકસાન પહોંચાડે છે. સમયસર યોગ્ય પગલા ભરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં વધુ ગંભીર બનાવો સર્જાઈ શકે.

અહેવાલ :- ગુજરાત બ્યુરો