સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે રીતે ક્રાઈમ રેટ વધી રહ્યો છે. બીજી બાજુ પોલીસ પણ ગુનેગારોને ઝડપી લેવામાં સક્રિયતા દાખવી રહી છે. ત્યારે સુરતમાં જાહેર રોડ પરથી ફિલ્મી સ્ટાઈલમાં અપહરણનો બનાવ બન્યો હતો. જોકે રાંદેર પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતાં. ગુજસીટોકમાંથી જામીન પર છૂટેલા આરોપીઓનું કારસ્તાન હોવાનું સામે આવ્યું હતું.
સમગ્ર અપહરણ USDTના મામલે કરાયું હોવાનું સામે આવી રહ્યું છે. ડિંડોલી અને રાજકોટની ટોળકી એ ભેગા મળી અપહરણ કર્યું હતું. અપહરણ બાદ ડિજિટલ કરન્સીની લૂંટને અંજામ આપ્યો હતો. મોબાઈલ ફોનમાં રહેલા વોલેટમાંથી USDT ની લૂંટ ચલાવી હતી. અંદાજિત 33 હજાર USDT વોલેટમાંથી લૂંટી લેવામાં આવ્યાં હતાં. જે ભારતીય કરન્સી પ્રમાણે 30 લાખ જેટલા થાય છે.
જાહેરમાં યુવકને ફેંકી દેવાયો
રાંદેર સ્થિત ગોરાટ રોડથી કારમાં અપહરણ કરાયું હતું. ત્યારબાદ ઓલપાડ રોડથી લઈ ગયા બાદ કારમાં જ ટોર્ચરિંગ કરાયું હતું. USDT ની લૂંટ બાદ પર્વત પાટિયા પાસે જાહેરમાં ફેંકી દેવાયો હતો. રાંદેર પોલીસે ગંભીર મામલે ફરિયાદ 24 કલાક બાદ નોંધી હતી. સમગ્ર અપહરણ ની ઘટના CCTV માં કેદ થયાં હતાં.