સુરત શહેરમાં ચોરી અને ચેન સ્નેચિંગના વધતા ગુનાઓ વચ્ચે સુરત ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાંચે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી આવેલા એક ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડયા છે, જેઓ બાઇક ચોરી કરીને મહિલા અને વૃદ્ધોને ટાર્ગેટ બનાવી ચોરી અને ચેન સ્નેચિંગનો ગુનો અંજામ આપતા હતા.
19 એપ્રિલ, 2025ના રોજ લસકાણા-ભાદાગામ રોડ નજીક નકળગ મોગલધામ પાસે 65 વર્ષીય ખેડૂત રમણભાઈ છોટુભાઈ પટેલની ગળાની સોનાની ચેન ત્રણે અજાણ્યા શખસોએ લૂંટી લીધી હતી. આ ઘટના અંગે ખેડૂત દ્વારા લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાંચે સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે ગુનેગારોના ઉતરપ્રદેશના પ્રયાગરાજ સ્થાયી હોવાનું જાણી તુરંત પોલીસે ત્યાંની ટીમ મોકલી ત્રણેય આરોપીઓને ધરપકડ કરી લીધી.
આ આરોપીઓએ કામરેજ વિસ્તારમાંથી હીરો સ્પ્લેન્ડર બાઇક ચોરી કરી હતી અને ત્યારબાદ લસકાણા વિસ્તારમાં ચેન સ્નેચિંગનો ગુનો કર્યો હતો. તેઓએ ચોરી કરેલ બાઇક લક્ષ્મી મોહન ઇન્ડસ્ટ્રીઝ પાસે પાર્ક કરી ટ્રેન દ્વારા યુપી ભાગી ગયા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી 36.420 ગ્રામ વજનની સોનાની ચેન (મૂલ્ય રૂ. 3,42,700), ત્રણ મોબાઇલ ફોન અને હીરો સ્પ્લેન્ડર બાઇક (કિંમત રૂ. 30,000) સહિત કુલ રૂ. 3,92,700નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ ઉપરાંત મુખ્ય આરોપી ઇન્દ્રજીત વિરુદ્ધ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે.
અત્યાર સુધી ત્રણેય આરોપીઓની ધરપકડ લસકાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.