સુરત :
ફરી એકવાર સુરત સહિત ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. સમગ્ર રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવા સાથે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું છે. આજે સવારથી અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, તેના પગલે સુરત જિલ્લા કલેક્ટરે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે આગામી તા. 24 અને 25 ઓગસ્ટ એટલે કે સાતમ અને આઠમના રોજ અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરતા સુરત જિલ્લા કલેક્ટરે સુરત જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ બે દિવસોમાં સુરત ઉપરાંત નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત ભાવનગરમાં અતિથી અતિ ભારે વરસાદ વરસે તેવી આગાહી કરાઈ છે. આ સાથે જ 35 કિ.મી. થી 55 કિ.મી.ની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતાને પગલે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત )