સુરત :
ચોમાસાની મોસમમાં વરસાદના લીધે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય એટલે કે ઝાડા ઉલટી, મલેરિયા, ડેન્ગ્યુ, તાવ, કોલેરા, કમળો જેવી બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેવા સમયે કાપોદ્રામાં ડેન્ગ્યુની અસર થયા બાદ નવ પરિણીતા, ગોડાદરામાં ઝાડા ઉલટી થયા બાદ યુવાન, વરાછામાં તાવ આવ્યા બાદ યુવાન અને સરથાણામાં ઉલટી થયા બાદ યુવાનનું મોત થયું હતુ.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કોપોદ્રા રામકૃષ્ણ કોલોનીમાં રહેતી ૨૦ વર્ષની સંગીતા ચંદનભાઇ બહેરાને ૬ દિવસ પહેલા તાવ આવ્યો હતો. જેથી તેને સારવાર માટે દવાખાનામાં લઇ ગયા હતા. શનિવારે ફરી તેની તબિયત બગડતા ડોકટર પાસે ગયા હતા. ત્યાં તેને ડેન્ગ્યુની અસર હોવાનું જાણવા મળ્યું હતુ. ગત સાંજે તેની તબિયત વધુ લથડતા બેભાન થઇ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઇ ગયા હતા.જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. તે મૂળ ઓરીસ્સાના ગંજામની વતની હતી. તેના લગ્ન ચાર માસ પહેલા થયા હતા. તેના પતિ એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરે છે. બીજા બનાવમમાં વરાછા અશ્વનિકુમાર રોડ ભવાની સર્કલ પાસે રહેતો ૨૧ વર્ષનો કિષ્ણા અમરીતલાલ કુસ્વાહને બે દિવસથી તાવ આવતો હતો. ગત સાંજે કાપોદ્રા બંમ્બા ગેટ પાસે પગપાળો પસાર થતો હતો. ત્યારે તેની અચાનક તબિયત બગડી હોવાથી બેભાન થઇ જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મૂળ મધ્યપ્રદેસમાં મોરનાનો વતની હતો. તેના ૩ ભાઇ છે. ખાનગી કંપનીમાં કામ કરતો હતો.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)