સુરતમાં વરસાદના કારણે કોઝવે બંધ કરાયો.

સુરત:

સુરત શહેર અને જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સોમવારે સવારે પણ શહેરમાં સારો વરસાદ પડ્યો છે. વરસાદને પગલે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે અને સિઝનમાં પહેલીવાર વિયર કમ કોઝવેના ગેટ બંધ કરી દેવાયા છે. બીજી તરફ ઉન વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં વરસતા વરસાદમાં વીજળીનો થાંભલો પડ્યો છે.

છેલ્લાં ત્રણ દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા છે. થોડી થોડી વાર વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. તાપી નદીમાં નવા નીર આવતા સુરતનો વિયર કમ કોઝ વે પણ ઓવરફ્લોની નજીક પહોંચી ગયો છે. જેથી કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવેનાં નયનરમ્ય દૃશ્યો જોવા મળી રહ્યાં છે. કોઝ વેની ભયજનક સપાટી 6 મીટર છે. 6 મીટરને પાર થતા કોઝવે ઓવરફલો થાય છે. કોઝવે ઓવરફ્લોથી દૂર છે ત્યારે જ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે.

અહેવાલ: અશ્વિન પાંડે (સુરત)